ગુજરાતની શાળાઓમાં ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવાશે
અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં હવે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. તેમજ ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું હતું. આ બીલને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધાયક રજુ કર્યું હતું. ધોરણ 1 થી 8 ની શાળાઓએ ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે. આમ તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવું ફરજીયાત રહેશે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનો નવો કાયદો લાગુ થશે.
આ બિલ પ્રમાણે ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવુ પડશે. જો કોઈ વ્યાજબી કારણો હશે તો લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. આ વિધેયક અનુસાર પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો શાળાને 2 લાખનો દંડ કરાશે અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.
રાજ્ય સરકારે અગાઉ શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કર્યો હતો પરંતુ કેટલીક શાળાઓ આદેશને અવગણતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસને લઈને મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો.