અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન દૂરદર્શન પર પ્રસારિત ધારાવાહિક ‘એકડાળના પંખીથી’ લોકોમાં ખૂબ જ જાણીતા બન્યા હતા.
રંગભૂમિના જાણીતા કલાકાર ચારૂબેન પટેલ છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પખવાડિયા પહેલા તેઓને પગમાં ફેક્ચર થયું હતું. જેથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં ચારૂબેનની સારવાર ચાલી રહી હતી. દરમિયાન બુધવારે સવારે એકાએક હાર્ટ-એટેક આવતાં ચારૂબેન પટેલનું હોસ્પિટલમાં જ નિધન થયું હતું. હાલ, તેમના મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એવું તેમના પરિવારજનોમાંથી જાણવા મળ્યું છે.
ચારૂબેન નારણભાઈ પટેલનો જન્મ તારીખ 12 જાન્યુઆરી 1940ના રોજ આફ્રિકાના યુગાન્ડા (સરોટી) ખાતે થયો હતો. નાનપણથી જ ભણવામાં હોંશિયાર એવા ચારૂબેને બી.એ. ઓનર્સ, એલ.એલ.બી. હિન્દી સાહિત્યરત્ન વર્ધાનો અભ્યાસ કર્યો હતો. તેઓએ 23 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 1963માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી દીધી હતી અને 1998 સુધી એટલે કે 34 વર્ષ તેઓએ આ નોકરી કરી હતી. ચારૂબેનને કલા, નાટકમાં વિશેષ રૂચ હતી. જેથી તેઓએ 24 વર્ષની ઉંમરે નોકરીની સાથે-સાથે નાટ્યક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતુ. તેઓએ અમદાવાદની લગભગ તમામ નાટ્ય સંસ્થાઓ સાથે નાટકો કરેલા છે. જેમાં મળેલા જીવ, પત્તાની જોડ, મોટા ઘરનો જમાઈ, નાંણા વગરનો નાથીયો, પારકે પૈસે પરમાનંદ, બેરૂં વિફરે ત્યારે, દાદાજીએ દાટવાળ્યો, ચૂડી ચાંદલો, ધૂપસળી, જાનકી, હિમપંખી, અમે એક ડાળનાં પંખી, કાચી દિવાલ સંબધોની વિગેરે ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો.