- ભાષાનુવાદ કરીને ગુજરાતીનો મનભાવન રસથાળ પીરસતા કાશ્યપીજીને મળ્યો સાહિત્ય એકેડેમીને અનુવાદ પુરસ્કાર
અમદાવાદઃ સ્વ મૃદુલા સિંહા દ્વારા વર્ષ 2015માં હિન્દીમાં લખવામાં આવેલી લંકાપતિ રાવણની પત્ની મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’નો ગુજરાતીમાં અનુવાદ કરનારા લેખિકા કાશ્યપી મહા ને સાહિત્ય એકેડમીએ સાહિત્ય એકેડમી અનુવાદ પુરસ્કાર 2020થી સન્માનિત કર્યાં છે. કાશ્યપીજીએ મરાઠી સાહિત્યમાંથી ઉત્તમ સાહિત્ય ગુજરાતીમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે તેમાં ગુજરાતી ટચ આવવો જોઈએ. આ ઉપરાંત ટ્રાન્સલેશન કરતી વખતે શબ્દોને સંસ્કૃતિ અનુસાર ગુજરાતીમાં ઢાળવા જરૂરી છે.
પ્રથમ પુસ્તકના ટ્રાન્સલેશનના અનુભવ અંગે કાશ્યપીજીએ ‘રિવોઈ‘ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ‘સોમનાથ તીર્થ’ નામના પ્રથમ પુસ્તકના અનુવાદના કામને લઈને કોઈ વિચાર ન હતો પરંતુ મારા પતિ પરીક્ષિત જોષી જે સંસ્થામાં, ‘સોમનાથ ટ્રસ્ટ’માં કામ કરતા હતા ત્યાંથી ‘સોમનાથ તીર્થ’ નામના પુસ્તકનું મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની વાત આવી હતી. આ ઘણું જુનું અને રેર પુસ્તક હતું. મેં કોઈ દિવસ આવું, આખા પુસ્તકના અનુવાદનું કામ કર્યું ન હતું એટલે ફાવશે કે કેમ તેવો પ્રશ્ન પણ હતો. મરાઠી ભાષાની જાણકારી હતી પણ એટલો મહાવરો ન હતો. એમ થતું કે એકાદ-બે ફકરા હોય તો થોડી વધારે મહેનત કરી શકુ, પરંતુ આખુ પુસ્તકનું અનુવાદ કરવું ઘણી અઘરી વાત હતી. અને એટલે અસમંજસની સ્થિતિ હતી. તે વખતે મારા પતિએ કહ્યું કે, મને તારામાં વિશ્વાસ હતો એટલે પુસ્તકનું અનુવાદ કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે, હવે હું ના પાડી દઈશ કે કાશ્યપી અસમર્થ છે. તેમના આ શબ્દોએ મારા વિચાર બદલ્યા હતા અને તે સમયે પુસ્તકના અનુવાદનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. પહેલા ઘણુ અઘરું લાગતું હતું, યોગ્ય શબ્દો મળે નથી અને ઘણીવાર એક પેરેગ્રાફ કરતા બે દિવસ નીકળી જતા હતા. આમ પણ એક પુસ્તકનું અનુવાદ કરવું ઘણું અઘરું છે. અનેક પડકારો છતા આ પુસ્તકનું અનુવાદ કર્યું હતું અને જેથી પુસ્તકના અનુવાદને લઈને મારા આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
તેમણે ‘રિવાઈ’ સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, જો પુસ્તકના વિષયને સમજીને વિષયવસ્તુ સાથે ઈન્વોલ્વ થઈ જાવ તો કામ ઝડપથી અને સરળતાથી કરી શકાય છે. ઘણીવાર ટેકનિકલ વિષય ઉપર અનુવાદ કરવાનું હોય તો કંટાળો આવી જાય પરંતુ જો તેમાં ઈન્વોલ્વ થઈને કામ કરીએ તો તેને પુરતો ન્યાય આપી શકીએ છીએ. મે તમામ પુસ્તકોના વિષયવસ્તુમાં ઈન્વોલ્વ થઈને ન્યાય આપવાનો પુરતો પ્રયાસ કર્યો છે. જ્યારે હું જે પુસ્તક ઉપર કામ કરતી હોય ત્યારે તે મારી ખુબ નજીક હોય છે. રોમારોલા લિખિત વિવેકાનંદજીનું પુસ્તક તથા પોલ બ્રન્ટન લિખિત રમણ મહર્ષિ સાથેની મુલાકાત અંગેના પુસ્તકનો અનુવાદ કર્યો હતો ત્યારે એ પુસ્તકો મેં ખરેખર પુસ્તકોને માણ્યાં હતા.
ઉત્તમ અનુવાદ અંગે જણાવ્યું હતું કે, પુસ્તકના ટ્રાન્સલેશન વખતે સંસ્કૃતિનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતી વખતે તેમાં ગુજરાતી ટચ આવવો જોઈએ. લખેલા શબ્દો ઉપરથી વાચકને ખબર ના પડવી જોઈએ કે કંઈ ભાષામાંથી ટ્રાન્સલેશન કર્યું છે. પુસ્તકનું ટ્રાન્સલેશન કરતી વખતે શબ્દોને સંસ્કૃતિ અનુસાર ગુજરાતીમાં ઢાળવા પડે છે. કાશ્યપીજીએ મરાઠી સાહિત્યમાંથી ઉત્તમ સાહિત્ય ગુજરાતીમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
પુસ્તક ‘પરિતપ્ત લંકેશ્વરી’ અંગે તેમણે જણાવ્યું હતું કે, સીતાજી અને મંદોદરી રામાયણના પાત્રો છે પરંતુ સીતાજીને જે સન્માન મળ્યું તે સન્માન મંદોદરીને નથી મળ્યું. પુસ્તકમાં મંદોદરીના સૌભાગ્ય અને દુર્ભાગ્યની વાત કરવામાં આવી છે. મંદોદરીએ જ્યારે રાવણ સાથે લગ્ન કર્યાં ત્યારે પોતાને ખુબ ભાગ્યશાળી સમજતી હતી પરંતુ જેમ જેમ રાવણના દુર્ગુણોનો પરિચય થતો ગયો તેમ તેમ તેમને અનુભવાયું કે, આ દુનિયામાં તેના કરતા કમનસીબ બીજુ કોઈ નથી. તેમ છતા મંદોદરી હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાને બદલે રાવણના અયોગ્ય કાર્યોને પડકારતી હતી તેમજ પરોક્ષ રીતે સીતાજીના શીલની પણ રક્ષા કરી હતી. સામાન્ય રીતે સ્ત્રીને સ્ત્રીની દુશ્મન માનવામાં આવે છે પરંતુ મંદોદરીના વ્યક્તિત્વમાં ક્યાંય ઈર્ષાનો ભાવ નથી. તેમના વ્યક્તિત્વમાં સત્યને સ્વીકરવાની નૈતિક શક્તિ છે તો પોતાના રાહ ભૂલેલા પતિને સાચા રસ્તે લાવવા સંઘર્ષ કરવાની શક્તિ પણ છે.
ભાષા અંગે તેમણે કહ્યું કે, ગુજરાતી મારી માતૃભાષા છે કેમ કે, હું ગુજરાતી વિચારુ છુ અને લખુ પણ ગુજરાતીમાં છું. મરાઠી મારી આઈ ભાષા છે. માતા સાથે મરાઠી ભાષામાં જ વાત કરું છું. વાંચનના બદલાયેલા પ્લેટફોર્મ અંગે તેમણે કહ્યું કે, લોકોને વાંચનનો શોખ છે અને આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં પણ યુવાનો વાંચનનો શોખ ધરાવે છે તે સારી વાત છે. આધુનિક જમાનાની સાથે વાંચનનું માધ્યમ પણ બદલાયું છે. સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો ઈ-બુક અને ઓનલાઈન બુકનું વાંચક કરવાનું પસંદ કરે છે. આમ વાંચનનો શોખ ધરાવતા લોકો વિવિધ માધ્યમથી પણ પોતાનો શોખ સંતોષે છે.
કાશ્યપી મહાજીએ બે દાયકાની સફરમાં 225થી વધારે પુસ્તકોનો અનુવાદ કર્યો છે. બેસ્ટ સેલર 65થી વધારે પુસ્તકોના અનુવાદમાં તેમને ક્રેડીટ લીધી છે. ‘તૃતિય નેત્ર’ (2018), ‘શંકરાચાર્ય’ (2013), ‘વિવેકાનંદ’ (2014), ‘કથા ચાણક્ય’ (2017) અને ‘ધ પાવન ઓફ હેબિટ’ (2020) સહિત તેમના અનેક પુસ્તકો લોકપ્રિય થયાં છે. આગામી દિવસોમાં હજુ 24 પુસ્તકો પ્રકાશનના અંતિમ તબક્કામાં છે, જે આ વર્ષે પ્રકાશિત થશે. તેમણે મહારાજ ‘ભગવતસિંહજી’ (2007), ‘સમર્થ સ્વામી રામદાસ'(2008) અને ‘ગુરુદળાય મલિક’ (2011) જેવા બાળભોગ્ય જીવનચરિત્ર અને ‘રેલપેલ સિનકી’ (2015) નામે એક બાળવાર્તાઓના પુનઃલેખનનું પુસ્તક પણ આપ્યું છે. પોલ બ્રન્ટન લિખિત ‘ અ હરમિટ ઈન ધ હિમાલયાઝ‘ પુસ્તકના ગુજરાતી અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ માટે વર્ષ 2016-17માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા લેખિકાઓના તમામ સાહિત્ય સ્વરૂપોમાંના સર્જનની શ્રેણીમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.