- ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને
- ભાવમાં 15 ટકાનો થયો વધારો
- ફાફડા-જલેબીના કિલોના ભાવ જાણો
અમદાવાદ:ગુજરાતમાં લોકો દશેરાના દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાતા હોય છે, ફાફડા જલેબી તે ગુજરાતીઓનું મનપસંદ જમવાનું છે અને સૌરાષ્ટ્રમાં તો તે અતિપ્રિય પણ છે. હવે આ વખતે ફાફડા જલેબીને પસંદ કરતા લોકોએ વધારે પૈસા ચૂકવવા પડશે. વાત એવી છે કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે.
આ વખતે મોટાભાગના શહેરોમાં ફાફડાનો ભાવ રૂપિયા 440 થી લઈને 800 રૂપિયા સુધીનો હોવાનું જાણવા મળ્યું છે. જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં જલેબીનો એક કિલોનો ભાવ રૂપિયા 200 થી લઈને 960 સુધીનો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં વેચાતા ફાફડા જલેબીમાં જોવા જઇએ તો ફાફડામાં શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડાના ભાવ અન્ય તેલમાં તળેલા ફાફડા કરતાં વધારે છે. તેમજ તેવી જ રીતે જલેબીમાં પણ શુદ્ધ તેલ અને શુદ્ધ ધીમાં તળેલી જલેબીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. તેમજ આ ઉપરાંત જલેબીમાં હવે ઇમરતી અને કેસર જલેબી જેવી વેરાઇટી પણ ઉમેરાઇ છે.
જો કે વેપારીઓનું કહેવું છે કે ફાફડા જલેબી બનાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતાં આ ભાવ વધારો કરવાની ફરજ પડી છે. રાજયમાં અનેક શહેરોમાં જુદી જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામા મંડપ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ફરસાણ એસોશિએશનનું માનીએ તો શહેરમા એસોશિએશનમાં નોધાયેલી ફરસાણની 500 દુકોનો તો મોટા પાયે વેચાણ કરે છે.