ગુજરાતના 18 લાખ રિક્ષા ચાલકો પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, આંદોલનનની ચીમકી
- વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય
- વડોદરામાં રિક્ષાચાલક એસો.ની બેઠક યોજાઈ
- વિવિધ મુદ્દા ઉપર બેઠકમાં મહત્વની ચર્ચા
- સીએનજીના ભાવ વધારાને પગલે નારાજગી
અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાને પગલે રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન રિક્ષા ચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો 18 લાખ રિક્ષા ચાલકો દ્વારા બહિષ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રિક્ષા ચાલકો આંદોલનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે.
ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વડોદરા મુકામે ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ફેડરેશનની મિટીંગ યોજાઈ હતી. જેમાં ફેડરેશનના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નિર્ણયો કર્યા હતા. ગુજરાત સરકારની બેવડીનિતીને કારણે સી.એન.જી. ગેસમાં કમરતોડ ભાવ વધારો થયો છે, જે હવે ગુજરાતના રીક્ષા ચાલકો ચલાવી નહીં લે અને આવનારા સમયમાં ગુજરાત રાજ્યના રીક્ષા ચાલકો રીક્ષા પાછળ પોસ્ટર લગાવી ભાજપ સરકારની નીતિનો વિરોધ કરી ગુજરાત રાજ્યની તમામ રીક્ષા પર કાળા ઝંડા લગાવશે. આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો રાજ્યના 18 લાખ રીક્ષા ચાલકો અને એમના પરિવારજનો બહિષ્કાર કરશે.
અગાઉ ઓટો રીક્ષા ચાલકોએ હડતાલની જાહેરાત કરી હતી તે સમયે સરકારે રીક્ષા ચાલકો સાથે બેઠક કરી અમુક માંગો સ્વીકારી હતી. સીએનજી ભાવ વધારાને લઈ કોઈ રાહત ન મળતા રીક્ષા ચાલકો ફરી હડતાલ અંગે વિચારણા કરે તેવી શકયતા છે.