અમદાવાદઃ રાજ્યમાં સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓએ સમગ્ર દેશમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કરવા ઉપરાંત ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા એ-પ્લસ રેટિંગ પ્રાપ્ત કર્યું છે.
રાજ્ય સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ એવી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં એ-પ્લસનું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપનીઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.