Site icon Revoi.in

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટોઃ માવઠુ પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે કાળજાળ ગરમી પડે છે. દરમિયાન હવે મે મહિનામાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાવાઝોડાં સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ હવામાન વિભાગ દ્વારા શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 42.4 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૃચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ સમય દરમિયાન ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂકાય તેવી શક્યતા છે. આવાં વાતાવરણના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આજે મિશ્ર ઋતુ ધરાવતા વાતાવરણના કારણે અમદાવાદ, ગાંધીનગર અને ડીસા, રાજકોટ સિવાયના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. એક બાજુ કોરોના મહામારી અને બીજી તરફ માવઠુ પડે તો ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ચિંતા વ્યક્ત કરી હતી.