અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે, દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાસ શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી 28 અને 29મી મેના રોજ માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે આગામી 10મી જૂનના રોજ મેઘ સવારી આવી પહોંચે તેવી શકયતાઓ પણ વ્યક્ત કરાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાવાને લીધે રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આાગામ 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલના પ્રાધ્યાપક અને વડા પ્રોફેસર એમ.સી ચોપડાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 થી 90 ટકા રહે છે. સાથે-સાથે પવન 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘ સવારી 10 જૂનની આજુબાજુમાં આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
(Photo-File)