Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા હવે વતનથી પરપ્રાતિય શ્રમિકો પરત ફરતા ટ્રેનો ભરચક બની

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબ થતા અને માગ વધતા ઉદ્યોગોમાં પણ હવે તેજી આવતી જાય છે. બીજીબાજુ કોરોનાના ડરને કારણે હિજરત કરી ગયેલા ઘણાબધા શ્રમિકો હવે વતનથી ગુજરાત પરત ફરી રહ્યા છે. તેના લીધે બિહાર-ઝારખંડથી ગુજરાત આવનારી ટ્રેનોમાં હાલ ભીડ વધી રહી છે. વધારાની બે ટ્રેન ચલાવ્યા બાદ પણ ભીડ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે. એક દિવસમાં ત્રણ ટ્રેન ગુજરાત આવી અને તે પણ ખીચોખીચ ભરીને. તેમ છતાં ઝારખંડથી ગુજરાત તરફ આવતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ કારણે હવે ગુજરાતના ઉદ્યોગોમાં કાર્યરત મજૂરોનું આવવું થોડુ મુશ્કેલ બની રહ્યુ છે.
ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ અને બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. કાપડની ફેક્ટરીથી લઈને સાડીઓની ફેક્ટરીમાં આ બંને રાજ્યોમાંના અનેક શ્રમિકો કામ કરે છે.

કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનને કારણે એપ્રિલ-મે મહિનામાં જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકોએ વતન વાપસી કરી હતી, તેઓ હવે ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે. આ માટે રેલવેએ ધનબાદથી બે વધારાની ટ્રેનો દોડાવી છે. તેમાં એક અમદાવાદ-કોલકાત્તા અને બીજી સુરત મધુપુર સ્પેશિયલ ટ્રેન હતી. 29 મેના રોજ બંને ટ્રેનોએ છેલ્લો ફેરો લગાવ્યો હતો. તેના બાદ તેનો ફેરો વધારાયો નથી. બે ટ્રેનો બંધ હોવાને કારણે મુસાફરોની સમસ્યા વધી ગઈ છે. ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના મજૂરોની હાલત હાલ બહુ જ ખરાબ છે.

આ મજૂરોને હવે કોરોના કરતા સૌથી વધુ ચિંતા પેટની સતાવી રહી છે. હાલત એવી થઈ છે કે, કોરોનાથી કરતા પણ ભૂખ અને બેરોજગારીથી મરવાની ચિંતા તેમને થઈ રહી છે. આવામાં મજૂરો કોરોનાની ચિંતા છોડીને કામની શોધમાં મહાનગરો તરફ પરત વળવા લાગ્યા છે. આ કારણે ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનોમાં ભીડ ઉમટી રહી છે. શનિવારે માલદા ટાઉન – સુરત સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. સુરત જતી આ એકમાત્ર આ ટ્રેન હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી. મુસાફરોની સાથે સાથે ધનબાદ, ગિરીહીડ, જામતાડા, દેવઘર, દમકા સબિત સમગ્ર સંતાલથી પ્રવાસી મજૂરો ગુજરાત આવી રહ્યાં છે. ગુજરાત આવવા માટે તેમની પાસે આ એકમાત્ર ટ્રેનનો ઓપ્શન ઉપલબ્ધ છે. પશ્ચિમ રેલવેએ મહારાષ્ટ્ર અને ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે અનેક ટ્રેનોની જાહેરાત કરી છે. સાથે જ મોટાભાગની ટ્રેનોના ફેરા વધાર્યાં છે. પરંતુ અમદાવાદ, કોલકાત્તા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વધારવાની જાહેરાત કરી નથી.