ગાંધીનગરઃ ખેડુતોને આ વર્ષે કપાસના ભાવ સારા મળશે તેવી આશા બંધાણી છે. કપાસનો ભાવ એક મણે રુ. 1500ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા ગુજરાતમાં વાવેતર 10 ટકા જેટલું વધવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. કપાસના ઉંચા ભાવ અને મગફળીના વાવેતરમાં વધુ ખર્ચ આવી રહ્યો છે, એટલે ખેડૂતો કપાસ તરફ વધારે ધ્યાન આપશે. ઇયળો સામે વધારે પ્રતિકાર કરી શકતા ફોર બીટી બિયારણનો પ્રસાર ગુજરાતના ખેડૂતોમાં વધ્યો છે.
કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કપાસના મુદ્દે એક બેઠક સીએઆઇના પ્રમુખના વડપણ હેઠળ યોજાઇ હતી. જેમાં એવી ચર્ચા થઈ હતી કે, ગુજરાતના ખેડૂતો જે ફોર બીટી બિયારણ વાપરી રહ્યા છે તેનાથી ઉતારો સારો મળે છે. આઉટરન 29 ટકા અને આર ડી ગ્રેડ 78થી 79 મળી રહ્યો છે એ ઉદ્યોગના પણ લાભમાં છે. આ બેઠકનો એજન્ડા કપાસનું વાવેતર અને હેક્ટરદીઠ ઉતારો વધે તે રહ્યો હતો. બેઠકમાં પૂરાં ભારતના કોટન એસોસીએશનના પ્રમુખો જોડાયા હતા., કપાસનું ઉત્પાદન વધારવા માટે આ વર્ષે પ્રયાસ જરુરી છે, કારણ કે ખેડૂતોને ખૂબ સારો ભાવ મળ્યો છે. કપાસ ઉપરાંત કપાસિયા અને ખોળના ભાવ પણ સારા મળી રહ્યા છે.
કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સીસીઆઇએ પણ આ વર્ષે ખૂબ રુ ખરીદ્યું હોવાથી ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહેવાનો વિશ્વાસ છે. વળી આ પાક પણ રોકડિયો છે એટલે હવે વાવેતર વધવું જોઇએ. જો વાવેતર અને ઉત્પાદન વધશે તો તે ભારત માટે સારી સ્થિતિનું સર્જન કરશે. આવતું વર્ષ ખેડૂતો, જિનરો, બ્રોકરો, ટ્રેડરો, નિકાસકારો અને સ્પિનીંગ મિલો માટે પણ ફાયદાકારક રહેશે. બ્રોકરોનું કહેવું છે કે, સીસીઆઇએ જિનરોને ચૂકવાતા કોટન જીનીંગના ચાર્જમાં વધારો કરવો જોઇએ. અત્યારે અન્ય રાજ્યોની તુલનામાં ઘણા નીચાં ભાવ ચૂકવવામાં આવે છે. નવા બિયારણનું વાવેતર ગુજરાતમાં વધશે. તેના ઉત્પાદનની સાથે ઉતારો પણ વધારે મળશે. મહારાષ્ટ્રના ખાનદેશ જિનર્સ એસોસીએશનના પ્રમુખે જણાવ્યુ હતુ કે, 10થી 12 ટકા વાવેતર વધારે થશે, તેનું કારણ ભાવનું છે. ખેડૂતો કપાસનું વાવેતર કરવા માટે આતુર છે. ખાનદેશમાં પ્રિમોન્સૂન ગતિવિધિ શરું થઇ ગઇ છે અને વરસાદ પણ સારો થશે તેવી ધારણા છે એટલે સપ્ટેમ્બરમાં નવા આવક પણ થઇ જશે., ખેડૂતોને કેવી રીતે વાવેતર કરવાથી ઉતારો વધારે મળશે તે શીખવવામાં આવે તે જરુરી છે. સીસીઆઇની ખરીદી આ વર્ષે પણ વધે તો ખેડૂતોને ફાયદો મળશે.
પંજાબ અને હરિયાણાના કોટન એસોસીએશનના પ્રમુખે કહ્યું હતું કે, બન્ને રાજ્યોમાં વાવેતર પૂરાં થઇ ગયા છે અને ગયા વર્ષ જેટલું જ વાવેતર થયું છે. જોકે રાજસ્થાનના ગંગાનગર પટ્ટામાં વાવેતર 5 ટકા ઘટશે. મધ્યપ્રદેશથી ઉપસ્થિત જીનરોએ ત્યાં વાવેતર પાંચથી સાત ટકા વધારે થશે તેવી ધારણા વ્યક્ત કરી હતી. 30 મે સુધીમાં 85 ટકા વાવણી પૂર્ણ થઈ ગઈ છે.