ગુજરાતની દીકરીએ બરફથી ઢંકાયેલા હિમાલયના નુન પર્વતના શિખર પર તિરંગો લહેરાવ્યો
અમદાવાદઃ વડોદરાની નીશાકુમારી આમ તો શિક્ષણ થી ગણિત શાસ્ત્રી છે. જો કે એને હિમાલયના ઉત્તુંગ શિખરો,બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. એમ કહો કે એ પર્વતારોહણ,સાયકલિંગ ,વોકિંગ, રનીંગ અને વ્યાયામનો શોખ ધરાવે છે. તેમણે દેશનું 76માં સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે.
નિશાએ આ દિવસે હિમાલયના લેહ લડાખ ક્ષેત્રના 65000 મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું અને સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફ ના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. વડાપ્રધાનએ આ વખતે હર ઘર તિરંગા નો નારો આપ્યો હતો. વડોદરાની આ દીકરીએ હિમાલયના શિખર પર તિરંગાનો એક નવો આયામ તેમાં ઉમેર્યો છે.
તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે જેના માટે તે છેલ્લા 5 વર્ષથી જોરદાર મહેનત કરી હતી. એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે જેને સર કરીને નિશાએ જાણે કે વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.
નિશાના પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે, પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જો કે ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને એક કંપનીએ રૂ. 2 લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી હતી.