Site icon Revoi.in

ગુજરાતની દીકરી કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Social Share

અમદાવાદઃ આયર્લેન્ડનાં ડબલીનમાં માર્ચ-2022માં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં શ્રમિક પરિવારની દીકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ છે. હાલ વડોદરામાં તે તાલિમ લઈ રહી છે. તેણે ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનિયર નેશનલ કીક બોક્સિંગના કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાતનું ગૌરવ વધારનારી મનીષા વાળાએ જણાવ્યું હતું કે, સપનાઓ સાથે સમાધાન નહિં, લક્ષ્‍ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતાં રહો, એક દિવસ પરિણામ તમારા પક્ષમાં હશે. મને બાળપણથી જ રમત-ગમત પ્રત્યે ખૂબ લગાવ હતો. જે શોખ મને આજે આ મુકામ પર લાવ્યો છે. મારા પિતા સિમેન્ટ ફેક્ટરીમાં એક મજુર તરિકે કામ કરે છે. સ્પોર્ટસમાં આગળ વધવા પાછળ પિતા જગદિશભાઈ અને માતા પ્રાંચીબેનનો મહત્વનો ફાળો રહ્યો છે. હાલ રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે સ્પોટ્સમાં કારકિર્દી બનાવવાંની દિશામાં ગુજરાતનું યુવાધન આગળ વધ્યું છે. ત્યારે મને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ મળવા મુશ્કેલ હતા. પરંતુ હાલ સિદ્ધાર્થ ભાલેગરે દ્વારા મને કોચિંગ મળી રહ્યું છે. તેઓ કિક બોક્સિંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે સારા ખેલાડી પણ રહી ચૂક્યાં છે.

ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં 60 વેઈટની કેટેગરીમાં ક્વોલીફાઈ થવાં માટે ઓગસ્ટમાં ગોવાનાં દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનીયર નેશનલ કીક બોક્સિંગનાં કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશનાં ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેનાં ઈન્ડિયા કેમ્પમાં સામેલ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી.