સુરત : રાજ્યમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોકાણ શરૂ થઈ છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35 ટકા જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાનાની સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કરવા પડશે. હીરા ઉદ્યોગમાં રો-મટીરીયલ્સ રફ હીરા છે. ત્યારે હીરા વેપારીઓએ તેમના ઉદ્યોગ શરૂ રાખવા દબાણ વશ થઈને જબરદસ્તીથી બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કરવાની ફરજ પડી રહી છે. એક અંદાજ પ્રમાણે, 25 જેટલા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કર્યા છે. અંદાજે તેમાં 300 સુરતના રત્નકલાકારો કામ કરી રહ્યાં છે અને બોત્સવાનાના સ્થાનિકોને હીરા ઘસતાં શિખવાડી રહ્યા છે. તેના લીધે ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસોમાં માલ ખૂટી પડયો છે. તેથી હીરા ઉદ્યોગમાં શનિ-રવિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવવાના અનેક કારણો છે. જેમાં આફ્રિકાના બોત્સવાનાની સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યો તેથી હીરા ઉદ્યોગ પર મંદીનો 50 ટકા ફટકો પડ્યો હતો તદઉપરાંત અમેરિકામાં આવેલી મંદીની અસર પણ ડાયમંડ જોબ પર જોવા મળી રહી છે. આમ, ડાયમંડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાયો છે. સુરતમાં તાજેતરમાં કોમર્સ મંત્રી પિયુષ ગોયલની સાથે શહેરના હીરા ઉદ્યોગપતિઓની ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હીરાના વેપારીઓએ પિયુષ ગોયલને આ બાબતે પણ રજૂઆત કરી હતી. હીરા ઘસવાની આવડત એ કલા છે. સુરત આ કલાથી દુનિયાભરમાં જાણીતું છે. આ કલા જો વિદેશમાં જાય તો સુરતની રોજગારી પર અને વિદેશમાં કોમ્પિટીશન પણ વધી શકે છે. સારી ક્વોલિટીની રફ જોઈતી હોય તો બોત્સવાનામાં ફરજિયાત હીરાના યુનિટો શરૂ કરવા માટે બોત્સવાના સરકાર દ્વારા જબરદસ્તી કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક સુરતના હીરા વેપારીઓએ બોત્સવાના સહિતના વિવિધ દેશોમાં કારખાના શરૂ કર્યા છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દરમિયાનગીરી કરવા વિનંતી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, સુરતના જે વેપારીઓ 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરાનું કટ એન્ડ પોલિશ્ડ કરે છે તેવા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરા યુનિટો શરૂ કરી દીધા છે. એક અંદાજ પ્રમાણે, 25 જેટલા હીરા વેપારીઓએ બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કર્યા છે. અંદાજે તેમાં 300 સુરતના રત્નકલાકારો કામ કરી રહ્યાં છે અને બોત્સવાનાના સ્થાનિકોને હીરા ઘસતાં શિખવાડી રહ્યા છે. આફ્રિકાના બોત્સવાનામાં, રશિયામાં, અને ઓસ્ટ્રેલિયા સહિત અલગ અલગ દેશોમાં સુરતના હીરા વેપારીઓના કારખાના છે. જેમાં અંદાજે 1 હજારથી વધારે સુરતના રત્નકલાકારો કામ કરી રહ્યા છે. આ કારીગરોને કંપની દ્વારા ડબલ પગાર આપવામાં આવે છે. જે-તે દેશમાં રહેવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. પ્લેનની ટિકિટનો ખર્ચ પણ કંપની દ્વારા જ આપવામાં આવે છે. રત્નકલાકારો વિદેશમાં જઈને હીરા ઘસતા શિખવાડશે તો વિદેશના લોકોને પણ હીરા ઘસતા આવડી જશે. જેથી કોમ્પિટીશન ઉભી થશે. (FILE PHOTO)