1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ
ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ

ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ

0
Social Share

ગાંધીનગરઃ શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5વર્ષમાં 1,086  ભરતીમેળાના આયોજન થકી 15.21  લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારનું ‘અનુબંધમ પોર્ટલ‘ નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. આ પોર્ટલમાં હાલની સ્થિતિએ ૩ લાખથી વધુ ઉમેદવાર તથા 47,000થી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે.

મંત્રી  રાજપૂતે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે, નવી ટેકનોલોજી, નવા સેવાકીય સેક્ટર અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ છે. તેમણે કહ્યું કે, કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે રૂ.568  કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા ‘કૌશલ્યા : ધ સ્કીલ યુનિવર્સિટી‘ ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઈક્રોન કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે.

મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટાથી શરૂ કરાયેલી ‘કૌશલ્યા : સ્કીલ યુનિવર્સીટીની‘ હેઠળ ન્યુ એઇજ સ્કીલ આધારિત 6 વિદ્યા શાખા શરૂ કરવામાં આવી છે. આ વિદ્યા શાખા હેઠળ નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ 120  જેટલા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

કૌશલ્યા : ધ સ્કિલ યુનિવર્સિટીએ ડ્રોન ઉત્પાદન અને ડ્રોન તાલીમ માટે  “ડ્રોન મંત્રા” લેબોરેટરી પણ વિકસાવી છે. ડ્રોન ક્ષેત્રના વિકાસને ધ્યાને લઇ ડ્રોન પાયલટ ટ્રેનિંગને વેગ આપવા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રી  રાજપૂતે શ્રમયોગી કલ્યાણ અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના શ્રમયોગીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે, શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ 2022-23માં  10.67  લાખથી વધુ શ્રમિકોને રૂ. 1315  કરોડની રકમ બોનસ તરીકે ચૂકવવામાં આવી છે, જે બોનસ પેટે ચૂકવાયેલ સૌથી વધુ રકમ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code