માર્ચના અંત સુધીમાં સંચાલન માટે તૈયાર થઈ જશે ગુજરાતનું હિરાસર એરપોર્ટ
રાજકોટ:ગુજરાતના રાજકોટ જિલ્લાના હિરાસર ખાતેનું એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં સંચાલન માટે તૈયાર થઈ જશે અને તે રાજ્યનો સૌથી લાંબો રનવે ધરાવતું હશે.એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.રાજકોટ શહેરની હદમાં આવેલા એરપોર્ટ પર શનિવારે વિવિધ પરીક્ષણો શરૂ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.પત્રકારો સાથે વાત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,એરપોર્ટ પાસે 3.5 કિલોમીટર લાંબો રનવે છે, જે ગુજરાતમાં સૌથી લાંબો છે.
તેમણે કહ્યું કે રનવેની નીચે 700 મીટર લાંબી પાણીની ટનલ પણ છે, જે એશિયામાં સૌથી લાંબી છે. બાબુએ જણાવ્યું હતું કે, “રાજકોટ માટે આ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે તે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મુખ્ય એરપોર્ટ હશે.તે ગુજરાતના સૌથી મોટા એરપોર્ટ તરીકે પણ ઉભરી શકે છે..એરપોર્ટ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ ટ્રાયલ શરૂ થયું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, “99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સાત પવનચક્કી (વિસ્તારમાં આવેલી) દૂર કરવામાં આવી રહી છે અને મુખ્ય માર્ગ સુધીના એપ્રોચ રોડનું બાંધકામ આ મહિને પૂર્ણ થશે. અમને આશા છે કે માર્ચના અંત સુધીમાં એરપોર્ટ તૈયાર થઈ જશે. ડીજીસીએની પરવાનગી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એકવાર તેને મંજૂરી મળી જાય પછી, કેન્દ્ર તેના સંચાલનની તારીખ નક્કી કરશે.” કેન્દ્રએ 2017 માં રાજકોટથી આશરે 28 કિમી દૂર હિરાસર ખાતે રૂ. 1,400 કરોડથી વધુના ખર્ચે એરપોર્ટ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી.