- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ યોજાઈ
- મુકેશ અંબાણીએ 35 લાખ શેરધારકોને કર્યું સંબોધન
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 35 લાખ શેર ધારકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પિતા ધીરુભાઈ અંબાણીના પગલે ચાલીને, હું હંમેશા માનતો રહ્યો છું કે રિલાયન્સની નજરમાં ભારત માટે સંપત્તિનું સર્જન કરવું અને તેના શેરધારકો માટે મૂલ્યનું નિર્માણ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ઝડપી અને મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, ત્યારે તે રિલાયન્સ માટે વધારે અવસર લઈને આવશે જેનાથી તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સાથે વેલ્યુ ક્રિએટ થાય છે. દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાતનું જામનગર દુનિયાનું એનર્જી કેપિટલ છે. વર્ષ 2025 સુધીમાં જામનગર ન્યૂ એનર્જીમાં પણ ગ્લોબલ લીડર બની જશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઝડપથી દુનિયાની સૌથી મોટી 30 કંપનીઓમાં સામેલ થશે. તેમજ મુકેશ અંબાણીએ જિઓના વપરાશકારોને મોટી ભેટ આપતા કહ્યું કે, વપરાશકારોને 100 જીબી ક્લાઉડ સ્ટોરેજ ફ્રીમાં મળશે. તેને જીઓ એઆઈ-ક્લાઉડ વેલકમ ઓફર નામ આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ એઆઈ બ્રેનચાઈલ્ડ જિઓ બ્રેન રજૂ કરીને કહ્યું કે, જીઓ કેટલાક ટૂલ અને પ્લેટફોર્મ ડેવલોપ કરી રહ્યું છે. જે સમગ્ર એઆઈ લાઈફસાયકલ સાથે જોડાયેલી હશે. રિલાયન્સ ગુજરાતના જામનગરમાં ગીગાવોટ સ્તરમાં એઆઈ-રેડી ડેટા સેન્ટર બનાવશે. રિલાયન્સ જીઓને લોન્ચ થયે હજુ આઠ વર્ષ થયાં છે. આ આઠ વર્ષમાં તેણે સમગ્ર દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. ડિજીટલ હોમ સર્વિલ મામલે જીયો દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકી એક છે. જીઓ 3 કરોડથી વધારે ઘરોમાં ડિજીટલ સર્વિસ પુરી પાડે છે. મુકેશ અંબાણીએ ડિઝની સાથે થયેલી ડિલનો ઉલ્લેખ કરીને તેને નવા યુગની શરૂઆત ગણાવી હતી. તેમણે કહ્યું કે, મીડિયા બિઝનેશ રિલાયન્સ ઈકોસિસ્ટમ માટે ઇનવેલ્યુએબલ ગ્રોથ સેન્ટર બનશે.
રિલાયન્સ રિટેલને લઈને ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, અમે મજબુત પાયો તૈયાર કર્યો છે અને તેના આધારે અમે આગમી 3થી 4 વર્ષમાં રિટેલ વ્યવસાયને ડબલ કરવામાં સક્ષમ બનીશું. મેટ્રો ઈન્ડિયા કેશ એન્ડ કેરીના અધિગ્રહણથી અમારી ઓમ્ની-ચેનલ ક્ષમતાઓમાં વધારો થયો છે. આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, જીઓ ફોનકોલ એઆઈથી વપરાશકાર દરેક ફોનકોલમાં એઆઈની મદદ લઈ શકશે. એઆઈ તમામ કોલ ખુજ જ રેકોર્ડ કરશે અને ક્લાઉડમાં સેવ કરી દેશે. એટલું જ નહીં તમામ વાતચીતને ટ્રાંસક્રાઈબ કરશે અને ટેકસ્ટ ફોર્મેટમાં બદલી નાખશે.