અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2021-2025ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ટુરિઝમના વિકાસ માટે વિવિધ ક્ષેત્રમાં 15થી 20 ટકાની સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિકોને રોજગારી મળી રહે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દ્વારકાના શિરાજપુર બીચને વિકસાવવામા આવશે. આ ઉપરાંત બોર્ડર ટુરિજમને પણ વિકસાવાનો નિર્ધાર રાજ્ય સરકારે વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને પણ પ્રોત્સાહન આપીને ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. સ્થાનિક હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસી અંતર્ગત પ્રવાસન વિભાગ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે એમઓયુ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે. આ ઉપરાંત રાજવીઓના મહેલ, ગીર જંગલ, કચ્છનું સફેદ રણ, માતાજીનો મઢ, અડાજલની વાવ, રાણકી વાવ સહિત અનેક જોવા લાયક સ્થળ ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત આવે છે. છેલ્લા 9 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 15 ટકા સીએજીઆરના દરે વધી છે. એટલું જ નહીં સ્થાનિક પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ટોપના 10 પ્રવાસન સ્થલોમાં સામેલ છે.