અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અસ્માતના બનાવોમાં વદારો થયો છે. દરમિયાન સુરેન્દ્રનગર અને દાહોદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અકસ્માતના આ બનાવોમાં ત્રણેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ઝમર નજીકથી એક જ પરિવારના પાંચ સભ્યો મોટરકારમાં પસાર થઈ રહ્યો હતો. આ પરિવાર માતાજીની માનતા પુરી કરવા માટે દર્શન જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે કાર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે કારમાં સવાર પરિવારની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં સ્થળ પર જ 3 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત દાહોદમાં પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઈવે પરથી એક રીક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષા પાટીયાઝોલ તળાવ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રિક્ષામાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત થયાં હતા. બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ગરબાડા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.