Site icon Revoi.in

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનાંઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે : ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 21 અને 22 ઓગષ્ટના રોજ યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ 21 ઓગસ્ટના રોજ પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનાંમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત ” વિકાસ ભી, વિરાસત ભી’ના” મંત્રને સાર્થક કરે છે, તેમ ઉમેર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

મંત્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું.

#NarendraModi #PolandVisit #JamSahib #DigvijaysinhJadeja #IndiaPolandRelations #GujaratiPride #HistoricalHonors #InternationalRelations #Wroclaw #IndianHistory #PolandHistory #GlobalDiplomacy #CulturalHeritage #WorldWarII #LegacyOfService #HonoringHeroes #IndiaPolandBond #HistoricalRecognition #GujaratInFocus #PMModiInPoland