ગુજરાતનો દરિયા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન, 10 મહિનામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હવે પાકિસ્તાન સહિત દુનિયાના અન્ય દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતીય યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે નવા-નવા પેતરા ઘડી રહ્યાં છે, હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય બની છે અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા તપાસ કરી રહી છે. દરમિયાન દસ મહિનામાં રાજ્યમાંથી લગભગ 28 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. કચ્છના જખૌમાંથી રૂ. 280 કરોડથી વધુનું ડ્રગ્સ એટીએસ અને કોસ્ટગાર્ડે ઝડપી લીધું છે. જ્યારે બે દિવસ પહેલા જ કંડલા બંદર ઉપરથી એક કન્ટેનરમાંથી રૂ. 1439 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બે દિવસ પહેલા વડોદરામાંથી રૂ. 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપરથી પણ 60 કરોડનું ડ્રગ્સ માર્ચ મહિનામાં પકડી લેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં અરબી સમુગ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે નવેમ્બર 2021માં મોરબીમાંથી રૂ. 600 કરોડનું, દ્વારકામાંથી કરોડોની કિંમતનું 65 કિલો અને સુરતમાંથી છ લાખનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. ઓક્ટોબર મહિનામાં અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી 25 લાકથી વધુની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
જ્યારે સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠામાંથી 26 લાખનું, સુરતમાં 10 લાખનું, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું અને કચ્છના મુદ્રા પોર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આમ ડ્રગ્સ માફિયાઓની સામે ગુજરાત પોલીસ, કોર્ડગાર્ડ અને એનસીબી સહિતની એજન્સીઓએ ગાળિયો કસ્યો છે. મોટાભાગના ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બનતા ડ્રગ્સ માફિયાઓ ભંગાર અને અન્ય વસ્તુઓની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યાંનું ખૂલ્યું છે.
રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયામાં લગભગ 30 હજાર જેટલી માછીમારી બોટોમાં માછીમારો માછીમારી કરે છે. સારી માછલીની લ્હાયમાં કેટલાકવાર ભારતીય માછીમારો બોર્ડર પણ ક્રોસ કરી લેતા હોય છે. તેનો ગેરલાભ ઉઠાવામાં આવતો હોવાનું અગાઉ સામે આવ્યું હતું. પાકિસ્તાનથી બોટમાં આવેલો ડ્રગ્સનો જથ્થો ગુજરાતની બોટમાં એક્સચેન્જ કરવામાં આવે છે. જેથી સુરક્ષા એજન્સીઓને ચકમો આપી શકાય. પરંતુ ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ પારખી ગયેલી ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે વધારે એક્ટીવ બની છે. જેથી દરિયા માટે ડ્રગ્સની હેરાફેરીને અટકાવવા કામગીરી શરૂ કરાઈ છે.