અમદાવાદઃ ગુજરાતના દૃષ્ટિહીન લોંગ જમ્પર જગદીશ પરમારે પોતાના જીવનના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમમાં ગોલ્ડ વિનિંગ શો રજૂ કર્યો હતો. દિલ્હીના વિશાળ અને વિશ્વકક્ષાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં, પરમારે 4.59 મીટરની છલાંગ લગાવીને પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં ટી 11-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રમતોમાંથી બહાર આવેલી એક શ્રેષ્ઠ બાબત એ છે કે પેરા એથ્લેટ્સ કેવી રીતે સ્પર્ધા સાથે વધુ સારા થવા માંગે છે એ જોવા મળ્યું. જગદીશ પરમાર પણ તેનાથી અલગ નથી રહ્યા. તે પેરાલિમ્પિક્સમાં મેડલનું સપનું જુએ છે.
તેમણે જણાવ્યું હતું કે, “હું ખુશ છું કે મેં ગોલ્ડ જીત્યો પરંતુ મારા પ્રદર્શનથી સંતુષ્ટ નથી. હું 5.31 મીટરનું મારું વ્યક્તિગત શ્રેષ્ઠ આપવા માંગતો હતો. હવે હું આવતા મહિને ગોવામાં યોજાનારી પેરા નેશનલ્સને ટાર્ગેટ કરીશ. મારા માટે આ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે મારી પાસે વધુ સારું કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રમતગમત એ મારું જીવન છે અને મેં કેટલાક સપનાઓને પણ પોષ્યા છે. ” પરમારના પિતા ગુજરાતના ખેડા જિલ્લાના રહેવાસી છે, તેઓ ખેડૂત છે. પરમારના જણાવ્યા અનુસાર, જન્મથી જ તેમને દૃષ્ટિ નથી. તેના માતા અને પિતા સિવાય, તેના ઘરે એક નાનો ભાઈ અને એક બહેન છે અને બધા સક્ષમ શરીરવાળા છે. આર્થિક સંકડામણને કારણે પરમારના ભાઈ-બહેન પોતાનો અભ્યાસ આગળ ધપાવી શકતા ન હતા, પરંતુ દૃઢ નિશ્ચયી પરમારે ક્યારેય પોતાની વિકલાંગતાને કે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. જગદીશ પરમારે લાંબી કૂદમાં સાત વખત નેશનલ ચેમ્પિયન બનવાના પ્રયાસોમાં મક્કમ રહ્યા છે. તેણે 2016થી 2023 સુધી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. 24 વર્ષીય પરમારે જણાવ્યું હતું કે, “દૃષ્ટિ ક્યારેય મારા માર્ગમાં આવી ન હતી. મેં રમતગમતને જ મારો એકમાત્ર સહારો બનાવ્યો. પહેલા હું બ્લાઇન્ડ ક્રિકેટ રમતો હતો. ગુજરાતમાં ખેલ મહાકુંભ છે, જેમાં હું અંધ ક્રિકેટર તરીકે રમ્યો હતો. હું અંડર-18માં અને અંડર-19માં ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ તરફથી 2010થી 2014 સુધી રમ્યો હતો. ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેતી વખતે પાંચમા ક્રમે રહેલા પરમારે તેમના ગુરુની સલાહને યાદ કરી હતી, જેમણે તેમને ક્રિકેટ છોડીને ઓલિમ્પિક ડિસિપ્લીન અપનાવવા જણાવ્યું હતું. પરમારે કહ્યું, “મૌવલિક સર ગુજરાતના ખેડામાં પેરા એથ્લેટ્સને તાલીમ આપે છે. એક દિવસ હું પણ ત્યાં ગયો અને દોડવાનો અને લાંબી કૂદવાનો પ્રયત્ન કર્યો. સરે મારી સામે જોયું અને મને ક્રિકેટ છોડીને એથ્લેટિક્સ અજમાવવાનું કહ્યું. પહેલાં હું દોડતો હતો. હું ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ લગાવતો હતો, પરંતુ પાછળથી મેં દોડવાનું છોડી દીધું અને માત્ર લોંગ જમ્પ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.”
ખેડા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલમાં મનસુખ તેવટિયાની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતા પરમારે 2018 અને 2022માં દિલ્હીમાં દૃષ્ટિહીન લોકો માટે સ્પેશિયલ નેશનલમાં પણ ગોલ્ડ જીત્યો છે. આ સિવાય તેણે 2022માં અમેરિકામાં યોજાયેલી ઓપનમાં પણ ગોલ્ડ જીત્યો હતો. મૃદુભાષી પરમારે હસતાં હસતાં કહ્યું, “મેં દેશમાં ઘણા મેડલ જીત્યા છે, પરંતુ મારું સાચું સ્વપ્ન પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે. હું તેના માટે ખૂબ જ સખત મહેનત કરું છું અને મેં કોલેજ પણ છોડી દીધી કારણ કે સમય મારા તાલીમના કલાકો સાથે સુસંગત નથી. “મારી આંખોમાં કોઈ પ્રકાશ નથી, પરંતુ હું મારી જાતને કોઈનાથી ઓછી માનતો નથી. હું નથી ઇચ્છતો કે કોઈ મારા પર દયા બતાવે. એક ખેલાડી તરીકે મને સામાન્ય ખેલાડીઓની જેમ જ લાગે છે. ફરક માત્ર એટલો જ છે કે અમારી રમતોને પેરા ગેમ્સ કહેવામાં આવે છે, એમ ગુજરાતના હીરોએ કહ્યું હતું.