Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા તા. 23મી માર્ચ 2025ના રોજ લેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા વર્ષે લેવાનારી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા તા. 23મી માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા અને ફાર્મસીના  અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા મહત્વની છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2025માં લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા 23 માર્ચને રવિવારે યોજવામાં આવશે. ગુજકેટના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ અને માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પરીક્ષાનો સમય સવારે 10 કલાકથી બપોરના 16 કલાક સુધીનો રહેશે. NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટ-2025ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્ન ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્ન રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. આન્સરશીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સરશીટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સરશીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. માર્ચ-25માં લેવાનારી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડે અત્યારથી જ જાહેર કરી દીધો છે.