ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 3જી, એપ્રિલ-2023, સોમવારના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા જિલ્લાકક્ષાની શાળાઓમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ડિગ્રી તેમજ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ આગામી તારીખ 25મી, જાન્યુઆરી-2023 સુધી સ્વીકારવામાં આવશે.ઘણા વિદ્યાર્થીઓએ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરી દીધા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ઓનલાઈન ભરી રહ્યા છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડના સચિવ એન.જી.વ્યાસે જણાવ્યું છે કે ગુજકેટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે જિલ્લાકક્ષાએ બેઠક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટની પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવામાં લેવાશે. ધોરણ-12 સાયન્સના ભૌત્તિકશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની લેવામાં આવશે. જેના માટે એનસીઇઆરટીના ધોરણ-12 સાયન્સના નિયત કરેલા અભ્યાસક્રમ ગુજકેટની પરીક્ષા માટે નક્કી કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા સવારે 10થી સાંજે 4 કલાક સુધી લેવામાં આવશે. તેમાં ગણિત વિષય 60 મિનિટ, જીવવિજ્ઞાન વિષય 60 મિનિટ અને ભૌત્તિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પેપરનો સમય 120 મિનિટનો રખાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ ગુજકેટના મેરિટને આધારે આપવામાં આવે છે. એટલે ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓને એન્જિનિરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ લેવો હોય તેવા વિદ્યાર્થીઓ સારી કોલેજોમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા સાથે ગુજકેટની તૈયારી કરી રહ્યા છે