ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ 6થી 20 જાન્યુઆરી સુધી ભરી શકાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ભરી શકાશે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઈજનેરી ડિગ્રી-ડિપ્લોમા તેમજ ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાના ફોર્મ આગામી તા. 6થી 20 જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-એ, ગ્રૂપ-બી અને ગ્રૂપ એ, બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2023ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે. ગુજકેટ-2023ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.6થી 20 જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ભરી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજકેટની પરીક્ષા ફી રૂ.350 ઓનલાઈન અથવા ‘એસબીઆઈ બ્રાંચ પેમેન્ટ’ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ બ્રાંચમાં ભરી શકાશે. જેની શાળાના આચાર્યો/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવા શિક્ષણ બોર્ડના નાયબ નિયામક બી.એમ.સોલંકીએ પરિપત્ર જાહેર કર્યો છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગે આગામી 20મી જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવા પરિપત્ર કર્યો છે.