ગુજકેટની પરીક્ષા વ્યવસ્થા જે મધ્યસ્થ કેન્દ્રોમાં હશે તો ત્યાં મૂલ્યાંકનની કામગીરી બંધ રખાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા તા.3જીને સોમવારે લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ગોઠવવામાં આવી છે. તેવા મધ્યસ્થ મૂલ્યાંકનના કેન્દ્રોમાં મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવાનો આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી ઇજનેરી તેમજ ફાર્મસી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)-2023 લેવામાં આવે છે. ચાલુ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા તારીખ 3જી, એપ્રિલના રોજ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવશે. આથી ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવા સહિતની કામગીરી રવિવાર પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ છે. આથી મધ્યસ્થ મૂલ્યાંકન માટે કેન્દ્રોની પસંદગી કરીને આગામી તારીખ 1લી, એપ્રિલથી પ્રારંભ થશે.. ત્યારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોવાળા શૈક્ષણિક બિલ્ડીંગમાં પણ ગુજકેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યારે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીની ગોપનીયતા જળવાય તે માટે ગુજકેટની બેઠક વ્યવસ્થા ગોઠવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવાના શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામકે આદેશ કર્યો છે. આથી ગુજકેટની પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને પરીક્ષણ કાર્યમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.