ગુજરાત કોલ્ડવેવમાં સપડાયું, ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યાં, હજુ 3 દિવસ કાતિલ ઠંડી પડશે
અમદાવાદઃ ગુજરાત છેલ્લા બે દિવસથી કોલ્ડવેવમાં સપડાયું છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનનોની અસરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેનાં કારણે નલીયામાં લધુતમ તાપમાન ઘટીને 2 ડિગ્રીએ પહોચ્યું હતુ. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં પણ સુસવાટા મારતા પવનોની સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો.
છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવતાં તાપમાનનાં પારો ઘટી રહ્યો છે. ઉત્તર -પૂર્વના ઠંડા પવનને લીધે રાજ્યના લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા છે. લઘુતમ તાપમાનનાં પારો બે ડિગ્રી ગગડી જવાથી શીત લહેરનું મોંજુ ફરી વળતા તેની સીધી અસર જન જીવન પર પડી છે.
ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કડકડાતી ઠંડી પડી રહી છે. તેમાં પણ ગુરૂવારે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યના સૌથી ઠંડુંગાર નગર નલિયામાં રહ્યું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડીગ્રી જેટલો ઘટીને 10.4 નોંધાયો હતો. અંગ ધ્રુજાવતી ઠંડી અને ચાબકા મારતા ઠંડાહેમ પવન ગુરુવારે પણ યથાવત્ રહ્યા હતા.
ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી 24થી 26 કિલોમીટરની ઝંઝાવાતી ઝડપે સાંજના સમયે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધી ગઇ છે અને બપોરે તાપમાન 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા આ પવન સામે રક્ષણ માટે નગરજનોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી નોબત આવી છે. આજે સવારથી જ ઠંડા પવનો ફુંકાતા લોકો ઠુંઠવાયા હતાં. જ્યારે આખો દિવસ લોકોને ગરમ કપડા પહેરી રાખવા પડ્યાં હતાં. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં 15 થી 20 કિમી સુધીના ઠંડા પવનો ફુંકાઈ શકે છે.જ્યારે ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ઇ કાલે બપોરે મહત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલો તે આજે એક જ દિવસમાં 3 ડિગ્રી ઘટીને 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. શહેરમાં સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 39 ટકા નોંધાયું હતું.