અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આજે સોમવારે આકરી ગરમીને પગલે બપોરના સમયે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરમિયાન આગામી દિવસમાં રાજ્યમાં ફરીથી માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. બુઘવાર અને ગુરુવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો નગરોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો ફરીથી ચિંતામાં મુકાયાં છે.
હવામાન વિભાગે બે દિવસ ગરમીની આગાહી કરી છે. કચ્છમાં બે દિવસ હીટ વેવની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. ગરમીના પ્રકોપ વચ્ચે બે દિવસ બાદ ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બસ સક્રિય થવાના કારણે 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 26 એપ્રિલે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડશે કમોસમી વરસાદ. તો 27 એપ્રિલે ભાવનગર,બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થાય છે. દરમિયાન માર્ચ મહિનામાં ચારેક વખત વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલ રાજ્યમાં ઉનાળો વધુ આકરો બન્યો છે. ત્યારે હવે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે રાજ્યમાં માવઠાંનું સંટક ઘેરાયું છે. માર્ચમાં પડેલા વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું.