- બે મહિલા કેડર સહિત છ માઓવાદી ઠાર મરાયાં
- આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત
સિકંદરાબાદઃ તેલંગાણાના ભદ્રાહી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સભ્યો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં માઓવાદી સંગઠનની બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા ગોળીબારમાં તેલંગાણા પોલીસની નક્સલ વિરોધી શાખા ગ્રેહાઉન્ડસના બે કમાન્ડો ઘાયલ થયાં હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના કરકાગુડેમ પોલીસ વિસ્તાર હેઠલના વન વિસ્તારમાં બની હતી. માઓવાદીઓની ટીમ છત્તીસગઢથી તેલંગાણા આવી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન માઓવાદીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળ પર બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. તેમની ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. આ માઓવાદીઓમાં એક સિનિયર કેડર પણ સામેલ હોવાનું જાણવા મળે છે. પોલીસે ઘટના સ્થળ પરથી બે એકે 47 રાયફલ, એસએલઆર સહિત છ હથિયાર સહિતની વસ્તુઓ મળી આવી હતી. આ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ આરંભી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.