અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લૂંટારુઓને ઝડપી લેવા પહોંચેલી પોલીસની ટીમ ઉપર લૂંટારુઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. આ ધાણીફુટ ગોળીબારમાં પીએસઆઈ અને બે લુંટારુઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના અક્ષર માર્ગ પર આવેલી સોસાયટીના એક મકાનમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. દરમિયાન ધડપાડુ ગેંગના સભ્યો સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજો ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગયેલી પોલીસે આરોપીઓને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લૂંટારુઓએ પોતાની પાસેની રિવોલ્વરમાંથી ગોળીબાર કર્યો હતો.
દરમિયાન પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે થયેલા ગોળીબારને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરીંગમાં SOGના PSI ડી.બી. ખેર ગંભીર રીતે ઘાયલ થયા હતા, તો બીજી તરફ ધાડપાડુ ગેંગના બે આરોપીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે 4 આરોપીઓને દબોચી લીધા હતા, બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.
સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ પોલીસની તપાસમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શકયતા છે.