નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર કલાકની અંદર બે વખત ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ગોળીબારની ઘટના મંગળવારે રાત્રે 10.45 કલાકે કલાન ભાટા ખાતે બની હતી, ત્યારબાદ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન મધ્યરાત્રિ બાદ 2 વાગે પંચન ભાટા નજીક ગોળીબાર કરવામાં આવ્યો હતો. સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે અહીં સેનાના ચાર જવાનો શહીદ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાયરિંગની બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અંધારા, દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારના ધારી બકરી ઉરબગીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, ખરાબ હવામાન અને મુશ્કેલ પ્રદેશ હોવા છતાં આતંકવાદીઓની શોધ ચાલુ છે. આ આતંકીઓ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. સરહદ પારથી ઘૂસણખોરી કર્યા બાદ જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા સેના પેરા કમાન્ડો સાથે સર્ચ ઓપરેશનને તેજ બનાવી રહી છે. આમાં ડ્રોન અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે સરહદ પારથી ઘૂસણખોરી કરનારા અને ઉધમપુર, ડોડા અને કિશ્તવાડ જિલ્લાના ઉપરના વિસ્તારોમાં કાર્યરત વિદેશી આતંકવાદીઓને ખતમ કરવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત અને સંકલિત ઓપરેશન ચલાવી રહી છે. સેનાએ કહ્યું હતું કે, “ઉત્તરી કમાન્ડના તમામ એકમો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે ઓપરેશન ચાલુ રહેશે.”