ગુરુકુલ પરંપરા અને વૈદિક શિક્ષણ વ્યવસ્થા ભારતવર્ષની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે : રાજ્યપાલ
નવસારીઃ ગુજરાત ગુરુકુલ સભા, સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક, ગુરુકુલ સુપા ખાતે શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ઋષિ-કૃષિ સંમેલન પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલ સુપાના શતાબ્દિ મહોત્સવની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં અંગ્રેજો અને મોગલોએ ગુરુકુલમાં દાન અને સહાય બંધ કરી ભારતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ દેશભરમાં વેદોનો પ્રચાર કર્યો હતો. અને આર્યસમાજની સ્થાપના કરી હતી. સ્વામી દયાનંદજીના શિષ્ય સ્વામી શ્રધ્ધાનંદ સરસ્વતીજીએ સૌ પ્રથમ કાંગડી, હરિદ્વારમાં ગુરુકુલની સ્થાપના કરી બાળકોને સંસ્કારિત જીવન જીવવાનું નિર્માણ, ભણવામાં તેજસ્વી બને તેવું શિક્ષણ આપ્યું હતું.
ભૂતકાળમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવી મહાન વિભૂતિઓએ પણ નવસારીના ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ સુપામાં ભારતીય સંસ્કૃતિ અનુસાર શિક્ષણ આપવામાં આવે છે. સારા સમાજ નિમાર્ણ માટે ગુરુકુલનું શિક્ષણ ખૂબ જ મહત્વનું છે.
વધુમાં રાજયપાલએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી કરવા ખાસ અનુરોધ કર્યો હતો. જેથી જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય અને સ્વસ્થ સમાજનો વિકાસ થાય.
રાજયપાલના હસ્તે દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. રાજયપાલએ પણ ગુરુકુલ સુપાના વિકાસ અર્થે રૂા.5 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ગુરુકુલ સુપાના મેનેજીંગ ટ્રસ્ટી ડાહયાભાઇ પટેલ, સુરતના ઉદ્યોગપતિ લાલજી પટેલ, ગોવિંદ ધોળકીયા, લવજી બાદશાહ, ભાવેશ પટેલ, પ્રેમચંદ લાલવાણી, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિત અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.