નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કે ગુરુદ્વારામાં જવું, સેવામાં સમય આપવો, લંગર, શીખ પરિવારોના ઘરે રહેવું, તે મારા જીવનનો એક ભાગ બની ગયો છે. અહીંના વડા પ્રધાનના આવાસમાં સમયાંતરે શીખ સંતોના પગ પડતાં રહે છે. મને તેમના આર્શિવાદનું સૌભાગ્ય મળતું રહે છે.
પીએમ મોદીએ કહ્યું, “આપણા ગુરુઓએ આપણને હિંમત અને સેવા શીખ આપી છે. આપણા ભારતના લોકો કોઈપણ સંસાધન વિના વિશ્વના વિવિધ ભાગોમાં ગયા, અને તેમના શ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરી. એ જ ભાવના આજે નવા ભારતની છે.
તેમણે કહ્યું, “નવું ભારત નવા પરિમાણોને સ્પર્શી રહ્યું છે, સમગ્ર વિશ્વ પર તેની છાપ છોડી રહ્યું છે. કોરોના મહામારીનો સમયગાળો તેનું સૌથી મોટું ઉદાહરણ છે. રોગચાળાની શરૂઆતમાં, જૂના વિચારોવાળા લોકો ભારત વિશે ચિંતા વ્યક્ત કરતા હતા. પરંતુ, હવે લોકો ભારતનું ઉદાહરણ આપી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવતુ હતું કે ભારતની આટલી મોટી વસ્તી, ભારતને રસી ક્યાંથી મળશે, લોકોનો જીવ કેવી રીતે બચાવશે? પરંતુ આજે ભારત સૌથી મોટા વેક્સિન નિર્માતા દેશ તરીકે ઉભરી આવ્યો છે.
તેમણે કહ્યું કે આપણા ગુરુઓએ લોકોને પ્રેરણા આપી, તેઓએ આ ભૂમિને પોતાના ચરણોથી પાવન કરી. તેથી, શીખ પરંપરા વાસ્તવમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જીવંત પરંપરા છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, લંગરને કરમુક્ત બનાવવાથી લઈને હરમિન્દર સાહિબને FCRAને મંજૂરી આપવાથી લઈને ગુરુદ્વારાઓની આસપાસ સ્વચ્છતા વધારવાથી લઈને તેમને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા માટે દેશ આજે તમામ પ્રયાસો કરી રહ્યો છે.