Site icon Revoi.in

વાઘોડિયાના ગુતાલ ગામે 13 ફુટના મગરને પાંજરે પુરતા વન વિભાગને પરસેવો વળી ગયો

Social Share

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે ગમે ત્યાં મગરો જોવા મળતા હોય છે. આમ તો મગરોનું મુખ્ય રહેઠાણ તો વિશ્વામિત્રી નદી છે. પણ વડોદરા અને વાઘોડિયા તાલુકાના ગામડાંઓના તળાવોમાં પણ મગરો જોવા મળતા હોય છે. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે 13 ફૂટના મહાકાય મગરના આંટાફેરાથી વિસ્તારમાં છેલ્લા દિવસથી ભયનો માહોલ છવાયો હતો. અગાઉ મગરે એક વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરીને મગરને પકડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. મગરને પકડવા માટે છેલ્લા 15 દિવસથી પાંજરૂ પણ મૂકવામાં આવ્યું હતું, આખરે કોતર નજીક વન વિભાગના કર્મચારીઓ અને એક એનજીઓના કાર્યકરોએ 13 ફૂટનું રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ મહાકાય મગરને પાંજરે પૂર્યો હતો.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  વડોદરાના વાઘોડિયા રેન્જમાં આવતા ગુતાલ ગામેથી 13 ફૂટનો મહાકાય મગરનું રેસ્ક્યુ વનવિભાગની ટીમે કર્યું હતું.  થોડા દિવસો અગાઉ આ વિસ્તારમાં મગરના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારામાં મગર દ્વારા  હુમલાની પણ દહેશત હતી. જે 13 ફૂટનો મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

આ અંગે વન વિભાગ વાઘોડિયાના RFOએ  જણાવ્યું હતું કે, વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે અગાઉ પણ એક વ્યક્તિનું મગરના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બનાવને લઇ અહીં લોકોમાં ભય ન ઉદભવે અને કોઈ નાગરિક ભોગ ન બને તે માટે  લોકેશન નક્કી કરીને  15 દિવસથી પાંજરું મુકવામાં આવ્યું હતું. વન વિભાગ અને NGOની મદદથી  મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. આ મગર આજવા સરોવર કે  કોતરોમાંથી આવ્યો હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વાઘોડિયાના ગુતાલ ગામે 65 વર્ષિય રવજીભાઈ ભુપતભાઈ પરમાર હાથ ધોવા કોતરમાં ઉતરતાં પાણીમાં છુપાયેલા મગરે ઓચિંતો હુમલો કર્યો હતો.