1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઊજવાયું
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઊજવાયું

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઊજવાયું

0
Social Share

અમદાવાદઃ શહેરમાં  મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ હતુ. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનો દ્વારા દેશભકિતના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યું હતું અને સામાજિક વિષયો પર જાગૃતતા લાવવા અંગે નાટક પણ રજૂ કરાયું હતું.

જ્ઞાન જ્યોતિ પર્વના આયોજન બદલ આર્ય સમાજને શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલએ પોતાના ઉદબોધનમાં  કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને દેશભરમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

દયાનંદ સરસ્વતીજીના જીવન અને સમાજ સુધારણાના  કાર્યો વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું કે, ગુજરાતના ટંકારા ખાતે જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે નિરંતર કાર્ય કરેલું. ગુજરાત સહિત દેશભરમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમણે સમાજ કલ્યાણ અને સમાજ સુધારણાના પરમ ધ્યેય સાથે અનેક સંસ્થાઓ અને પુસ્તકો થકી દેશભરમાં પ્રવર્તતા કુરિવાજો, અજ્ઞાનતા અને અંધવિશ્વાસ સામે સમાજને જાગૃત કરવા માટે વૈચારિક ક્રાંતિ દ્વારા શ્રેષ્ઠ કાર્ય કર્યુ હતુ. તેમણે વેદોના જ્ઞાનનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. દેશની પ્રાચીન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધન માટે વિવિધ ગુરુકુલ સ્થાપીને સમાજને વિદ્વાનો આપ્યા હતા. તેમણે સ્ત્રી શિક્ષણ, છૂત – અછૂત, વ્યસન, સહિતના દૂષણો સામે સમાજને જાગૃત કરવા માટે નિરંતર કાર્ય કર્યુ હતુ.

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના આઝાદીની ચળવળમાં યોગદાન વિષે  વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અંગ્રેજોની ધરતી પર રહીને દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા શ્યામજી કૃષ્ણ વર્મા, મહર્ષિ દયાનંદ સરસ્વતીના અનુયાયી હતા. તેમની પ્રેરણાથી જ તેઓએ ઇંગ્લેન્ડ જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરીને  વિદેશી ધરતી પર અનેક ક્રાંતિકારીઓને દેશની આઝાદીની ચળવળના ભાગ બનાવ્યા હતા.

જ્ઞાન જ્યોતિ પર્વના પાવન અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મની દ્વિ-શતાબ્દીની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમાં સહભાગી થવાનો મને પણ એક અવસર મળ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આપણાં સૌ માટે આનંદની વાત એ પણ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જયંતિના અવસરે જ્ઞાન જ્યોતિ પર્વનો આરંભ નવી દિલ્હીથી કરાવ્યો હતો. આમ, મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો એક દૌર
ચાલ્યો છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજથી બે સદી પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદજીનો જન્મ થયો હતો ત્યારે દેશ સદીઓની ગુલામીથી નબળો પડીને પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો. એટલું જ નહીં આપણા સંસ્કારો, મૂલ્યો, આદર્શોને નાબૂદ કરવાના અનેકો પ્રયાસો થયા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં મહર્ષિજીએ સમાજમાં વેદના બોધને પુનર્જીવિત કર્યો અને લોકોને નવી દિશા આપી હતી.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે,  સ્વામી દયાનંદજી હંમેશાથી કહેતા કે ભારત એના પ્રાચીન મૂળ ધર્મ તરફ પાછો ફરે અને આખા વિશ્વમાં શ્રેષ્ઠ વિચારોનો સંચાર થવો જોઈએ.

આ અવસરે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત ભાગ્યશાળી છે કેમ કે ગુજરાત મહર્ષિજીની
જન્મભૂમિ છે. મહર્ષિ દયાનંદ જેવા વિરલ વિભૂતિનું જન્મસ્થળ ગુજરાતના ટંકારામા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાતે આવતા આર્યસમાજીઓની સુવિધા માટેની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે,  અહી દર્શનાર્થીઓ માટે લેન્ડ સ્કેપિંગ, બેઠક વ્યવસ્થા, ટોયલેટ બ્લોક, પાણી જેવી સુવિધા મળી રહે તેની કામગીરી પ્રગતિમાં છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટને રાજકોટ-મોરબી હાઈવે પર જમીન પણ ફાળવી છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા, શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય  જીતુભાઈ પટેલ,  હર્ષદભાઈ પટેલ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના  સુરેશચંદ્ર આર્ય,  દીપકભાઈ ઠકકર તથા અન્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code