જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ સંકુલમાંથી શેષનાગ અને હિન્દુ દેવી-દેવતાઓની કલાકૃતિઓ મળ્યાનો દાવો
નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્ચેના રિપોર્ટને લઈને તરેહ-તરહેની અટકળો વહેતી થઈ છે. સંકુલમાં માતા શ્રૃંગાર ગૌરીની પૂજા અંગે કરાયેલા સર્વેના પ્રાથમિક અહેવાલમાં અનેક મહત્વના પુરાવાઓ મળ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનવાપી મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદની પશ્ચિમી દિવાલ પર શેષનાગ અને હિંદુ દેવી-દેવતાઓની કલાકૃતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સર્વે દરમિયાન, આ કલાકૃતિઓ મસ્જિદની દિવાલની ઉત્તરથી પશ્ચિમ તરફ દેખાઈ રહી છે અને તેના પુરાવા વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીમાં પણ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યા છે. પહેલા બે દિવસમાં કોર્ટના આદેશથી સર્વે હાથ ધરનાર એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ આ સંદર્ભે કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો, જેને કોર્ટે તેના રેકર્ડમાં પણ લીધો છે. એડવોકેટ કમિશનર અજય મિશ્રાને માહિતી લીક કરવા બદલ કોર્ટના આદેશ પર હટાવવામાં આવ્યા છે, પરંતુ તેમણે પોતાના રિપોર્ટમાં જે દાવા કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.
કોર્ટમાં દાખલ કરાયેલા પોતાના રિપોર્ટમાં અજય મિશ્રાએ કહ્યું છે કે, મસ્જિદની ઉત્તરીથી પશ્ચિમી દિવાલ સુધી સિંદૂરના રંગમાં હિંદુ દેવી-દેવતાઓની કલાકૃતિઓ અને શેષનાગનું પ્રતીક જોવા મળ્યાં છે. અજય મિશ્રાએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 6 મેના રોજ થયેલા સર્વે દરમિયાન એક કલાકૃતિ એક મૂર્તિ હોવાનું જણાય છે જેના પર સિંદૂર લગાવામાં આવ્યો છે. આ મૂર્તિની સામે દીવો પ્રગટાવવા માટે પણ વ્યવસ્થા કરાયેલી છે. મસ્જિદના ખડક પર આવા કુલ 4 શિલ્પો છે અને આ દાવો ચોથા શિલાનો છે.
આ સિવાય રિપોર્ટમાં બેરિકેડિંગની અંદર પડેલા કાટમાળ વિશે પણ વાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કાટમાળ શેષનાગની શિલાનો ભાગ પણ હોઈ શકે છે. કાટમાળમાં હાજર કલાકૃતિઓ મસ્જિદની પશ્ચિમી દિવાલ પરની કલાકૃતિઓ સાથે મેળ ખાય છે. હિંદુ પક્ષે આ કાટમાળની વિગતવાર તપાસ માટે કોર્ટમાં અપીલ કરી છે. એડવોકેટ કમિશનરે તેમના રિપોર્ટમાં 6 અને 7 મેના રોજ કરાયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે અહેવાલમાં લખ્યું છે કે, આ તમામની રચનાઓ 6 મેના રોજ જોવામાં આવી હતી, ત્યારબાદ 7 મેના રોજ મસ્જિદ પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓના પ્રતીકો અને કલાકૃતિઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.
(ફોટો- સોશિયલ મીડિયા)