ગાંધીનગરઃ ગુજરાતના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડ અને એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના 152 પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવશે. ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. આ વર્ષ 2021 ના એવોર્ડમાં સૌથી વધુ સીબીઆઈના 15 પોલીસ કર્મચારીઓ સામેલ છે. તો 152 માંથી 28 મહિલા પોલીસ કર્મચારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી હતી ગુજરાતમાં જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી થઈ છે. જેમાં ASP નિતેશ પાંડેય – જામનગર, DCP વિધી ચૌધરી – સુરત, PI મહેન્દ્ર સાલુંકે, PI મંગુભાઈ તડવી, PI દર્શનસિંહ બારડ અને PI એ.વાય બલોચ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સીબીઆઈના 15 કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના 11-11, ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ અને રાજસ્થાન પોલીસના 9-9, તમિલનાડુ પોલીસના 8, બિહારના 7 તેમજ ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસના 6-6 કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવશે. ગત વર્ષે 2020 માં કુલ 121 પોલીસ કર્મચારીઓની સન્માનિત કરાયા હતા. આ મેડલ આપવાની શરૂઆત 2018 માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપવા પાછળનો હેતુ તપાસ કરનાર ઉત્કૃષ્ઠ અધિકારીઓના ઓળખ કરવાનો છે.