વેરાવળ : ગુજરાતમાં સરકારના કડક નિર્દેશ છતાં ખનીજની ચોરીના બનાવો વધતા જાય છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીકના ઘાંટવડ ગામના ઇકો સેન્સેટીવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખાણો પર ફરી એક વાર એએસપીએ દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી હાથ ધરી કટર મશીન, જનરેટર સેટ, ટ્રેકટર-ટ્રોલી સહિત રૂ.12 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. તમામ વિભાગોને અંધારામાં રાખી ગતરાત્રીના સમયે મોટરસાઇકલ પર સવાર થઇ એએસપીએ ચુંનદા સ્ટાફ સાથે 6 જેટલી ગેરકાયદેસર ખાણો ઉપર દરોડો પાડયો હતો.દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દોડી જઇ ગેરકાયદેસર ખાણોમાંથી કેટલી ખનીજ ચોરી થઇ તેની વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાંમાં તંત્રની મીઠી નજર હેઠળ અને રાજકીય ઓથ નીચે બેરોકટોક ખનીજ સંપદાઓની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. એવા સમયે ગીર સોમનાથ એએઁસપી ઓમપ્રકાશ જાટને મળેલી બાતમીના આધારે ચુનંદા સ્ટાફ સાથે રાખીને સિંઘમ સ્ટાઇલની માફક મોટર સાઇકલ પર સવાર થઇ ગેરકાયદેસર ખાણો પર ત્રાટકી સપાટો બોલાવ્યો હતો.
જિલ્લાના કોડિનાર તાલુકામાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં જામવાળા-ઘાંટવડ આસપાસ રાત્રીના સમયે સરકારી જમીનોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ચુનંદા સ્ટાફને સાથે રાખી બાતમીવાળા વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા. જેના પગલે થોડા સમય માટે ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે, એએસપીના દરોડામાં ઘાંટવડ ગામના ભલગરીયા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખાણો ચાલતી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વિસ્તારમાંથી એએસપીએ એક પછી એક મળી કુલ 6 ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડી 6 જેટલા કટર મશીનો, 1 જનરેટર સેટ, 1 ટ્રેક્ટર- ટ્રોલી સહિત કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ દરોડા અંગે રાત્રીના અંધારામાં રખાયેલા ખાણ ખનીજ વિભાગને સવારે જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી કઇ ખાણમાંથી કેટલી ખનીજની ચોરી થઇ તે જાણવા માપણી કરવા સહિતની કામગીરી શરૂ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, જિલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટને આ અગાઉ પણ બાતમી મળતા બે વખત આવી જ રીતે આ જ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે જો એએસપીને ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની માહિતી મળતી હોય તો પછી સંબંધિત ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, કલેકટર, સ્થાનિક પોલીસને શું બાતમી કે માહિતી નહીં મળતી હોય ? જો મળતી હોય તો શું કામ દરોડાની કાર્યવાહી તેમના દ્વારા થતી નથી ? તેવા સૂચક સવાલો તંત્રની કહેવાતી નિષ્ઠાપૂર્વકની કામગીરી સામે સંદેહ ઉભા કરી રહ્યા છે.