1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,
સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

0
Social Share

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે.  પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગર પાલિકા સહિત 6 નગરપાલિકાનું રૂપિયા 8685 લાખના વીજબિલ બાકી બોલી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર  જિલ્લાની 6 નગરપાલીકાઓ દ્વારા પીજીવીસીએલને  વિજ સેવાનું બિલ ચુકવવામાં ઠાગાઠૈયા કરવામા આવતા હોવાથી અત્યાર સુધીમા 6 નગરપાલિકાના 8685.63 લાખ રૂા. વિજ બિલના ચડી ગયું હોવાનુ જાણવા મળે છે. પોતાના કરવેરા ઉઘરાવવા કડક નોટિસો પાઠવતી નગરપાલિકાઓ વિજતંત્રને બિલ ચુકવવામાં ઘોર ઉદાસીનતા દાખવતી હોવાનું જાણવા મળ્યું છે. હાલમા માર્ચ મહીનો ચાલે છે અને માર્ચ એન્ડીંગ આવતા સુધીમાં સરકારી તંત્ર, વેપારીઓ, વ્યવસાયિક એકમો બાકી લેણા-દેણાનો હિસાબ સરભર કરી 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરતા હોય છે. નગરપાલિકાઓ પણ શહેરીજનોને અપાતી સુવિધાના બદલામા હાઉસ ટેક્ષ, પાણી કર વિગેરે લેતી હોય છે. જેમાં ઘણીવાર કરદાતાઓના બાકી લેણાની ઉઘરાણી માટે રિક્ષા ફેરવાતી હોય છે અને પંદર દિવસની મુદત આપતી નોટીસ કાઢતી હોય છે. બીજી તરફ નગરપાલિકાઓ વિજ તંત્ર પાસેથી વિજ પ્રવાહ મેળવે છે. જેનું બીલ નગરપાલિકાએ ચુકવવાનું હોય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાની 6 નગરપાલિકાઓ પાસેથી આશરે રૂા. 8685.63 લાખ બાકી લેણા નીકળે છે. જે નગરપાલિકાઓ દ્વારા ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકા પાસેથી સૌથી વધુ રૂા. 4419.37 લાખ વિજ તંત્રને લેવાના નીકળે છે.  જ્યારે થાનગઢ નગરપાલિકા પાસેથી રૂા.636.57 લાખ, ચોટીલા નગરપાલિકા પાસેથી રૂા.919.78 લાખ, લીંબડી નગરપાલિકા પાસેથી રૂા.414.26 લાખ, ધ્રાંગધ્રા નગરપાલિકા પાસેથી રૂા.1632.57 લાખ અને પાટડી નગરપાલિકા પાસેથી રૂા.663.07 લાખ બાકી લેણા નીકળતા હોવાનું જાણવા મળે છે. નગરપાલિકાઓ પોતાના બાકી લેણા માટે કરદાતા શહેરીજનો પાસે કડક ઉઘરાણી કરતી હોય છે. પરંતુ પોતાને ચુકવવાના થતા વિજબિલ ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. સામાન્ય રીતે પીજીવીસીએલ  દ્વારા પોતાનાં બાકી લેણા માટે નગરપાલિકાઓ પાસે ઉઘરાણી કરતી નોટીસ પાઠવે છે. ઘણીવાર કડક કાર્યવાહી રૂપે વિજતંત્ર દ્વારા કેટલાક વિસ્તારોના સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપીને પગલા પણ લેવાયા  છે. નગરપાલિકા ઉચક રકમ ભરે એટલે ફરી વિજ જોડાણ કરી આપવામાં આવતું હોય છે.  હાલ આ 6 નગરપાલિકાઓ પાસેથી વિજતંત્રને રૂ. 8685.63 લાખ જેટલી માતબર રકમ વિજબિલ પેટે લેવાની નીકળે છે. જોકે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાંથી બીજબિલની બાકી રકમ કાપીને પીજીવીસીએલને સીધી ભરી દેવાનો નિર્ણય લીધો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code