હળવદઃ નર્મદા કેનાલમાં મોટરકાર ખાબકી, પરિણીતાની લાશ મળી
- સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં
- પતિની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ
- પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદઃ હળવદના અરિજગઢથી માળીયા તરફ જતી કેનાલ પાસેના માર્ગ ઉપરથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. મોટરકારમાં નવ પરણીત દંપતિ સવાર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ તરવૈયાઓએ શોધખોળ આરંભીને પરિણીતાના મૃતદેહને શોધી કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અજીતગઢ ગામમાં રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર(ઉં.વ.22) અને પત્ની મિતલબેન રાહુલભાઈ સવારના અજીતગઢ ગામેથી કારમાં માળીયા તરફ જતા હતા. દરમિયાન જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાળા પાસેથી કાર પસાર થતી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા પોલીસ તથા સ્થાનિકો મોટી સંખ્યામાં પણ ઉમટી પડ્યાં હતા. તેમજ કેનાલમાં શોધખાળ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કારમાં સવાર રાહુલ ડાંગરની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.