દિલ્હી- ઈઝરાયેલ પર હમાસના હુમલાને લઈને ભારતે પોતાના નાગરિકો બાબતે ચિંતા જતાવી છે. ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે આજરોજ શનિવારે ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં ભારતીયોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સલામતી સ્થળોની નજીક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ સહીત ભારતીય દૂતાવાસે નાગરિકોને એલર્ટ રહેવા જણાવ્યું છે સાથે જ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છેકે હમાસ દ્વારા મોટી સંખ્યામાં રોકેટ છોડવા અને દક્ષિણ ઈઝરાયેલમાં આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ ઈઝરાયેલે શનિવારે સવારે ‘યુદ્ધ માટે તૈયાર રહેવા’નો સંદેશ આપ્યો હતો. તેમણે યુધ્ધનું એલાન કરતા ભારતે આ એડલાઈઝરી જારી કરી હતી. ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ X પર એક વીડિયો સંદેશમાં યુદ્ધની ઘોષણા કરી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ‘હમાસે ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે, તેમાં ઈઝરાયેલ જીતશે.’ ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ સહીત ભારતીય નાગરિકોને ઈઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં, તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એમ્બેસી હેલ્પલાઈન નંબર +97235226748 છે અને ઈમેલ આઈડી consl.telaviv@mea.gov.in છે.
આ હુમલાને લઈને ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવી રહી છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. જેરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ, હમાસની લશ્કરી પાંખના એક નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર 5,000 થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.
ત્યારે હવે ઇઝરાયેલ હમાસના હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે હમાસના નેતા મોહમ્મદ અલ-દૈફે ઈઝરાયેલ વિરુદ્ધ નવું લશ્કરી ઓપરેશન ‘અલ-અક્સા ફ્લડ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ હમાસના રોકેટ હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાનના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે IDFની જરૂરિયાતો અનુસાર અનામત સૈનિકોના ડ્રાફ્ટને મંજૂરી આપી છે.