- ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
- હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળ્યું
નવી દિલ્હીઃ ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ઈઝરાયલના હુમલામાં સિનવારનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સિનવારની મોતની અટકળો વચ્ચે સૈન્યએ ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે તાજેતરના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યો હતો.
મિલિટરી ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે, ગાઝામાં IDF દ્વારા તાજેતરના હવાઈ હુમલામાં સિનવર માર્યો ગયો હતો. આ પહેલા પણ સિનવરના મૃત્યુને લઈને દાવા કરવામાં આવ્યા છે, પરંતુ થોડા દિવસો પછી તે ફરીથી જોવા મળ્યો હતો. બીજી તરફ ઈઝરાયેલના પત્રકાર બરાક રવીદે પોતાની એક્સ-પોસ્ટમાં દાવો કર્યો છે કે જેરુસલેમ પાસે યાહ્યા સિનવારના મૃત્યુ વિશે કોઈ ગુપ્ત માહિતી નથી.
ઈઝરાયેલના એક પત્રકારે એક અધિકારીને ટાંકીને કહ્યું કે, આ બધી અટકળો અને અપેક્ષાઓ છે, તેની પાછળ એક માત્ર હકીકત એ છે કે યાહ્યા સિનવારનો છેલ્લા અઠવાડિયાથી સંપર્ક થયો નથી.
યાહ્યા સિનવારને ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આ હુમલામાં 1200થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા. આ સાથે લગભગ 250 ઈઝરાયલી નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે.