નવી દિલ્હીઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હમાસના ફંડીંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં અનેક ઠેકાણાઓ બનાવ્યા છે અને તેમના નેતાઓ તેમને વિદેશથી ફંડિંગ મોકલી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ઈંધણની અછત વચ્ચે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે, પરંતુ તેઓ તે લોકોને આપી રહ્યાં નથી. મોસાદના એક પૂર્વ એજન્ટે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે હમાસનું વાર્ષિક બજેટ 1.5 બિલિયન પાઉન્ડ છે જે તેના આતંકીઓને ફાઇનાન્સ કરે છે.
મોસાદના ભૂતપૂર્વ એજન્ટ ઉઝી શાયાએ ખુલાસો કર્યો હતો કે, હમાસનું નાણાકીય શાસન તુર્કીના ઇસ્તંબુલથી ચલાવવામાં આવે છે કારણ કે તેઓ મોટા બજેટને નિયંત્રિત કરે છે. તેમનું કહેવું છે કે આતંકવાદી જૂથની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે 400 મિલિયન પાઉન્ડ કતારથી અને 200 મિલિયન પાઉન્ડ ઈરાનથી આવે છે. રિયલ એસ્ટેટ જેવા વ્યવસાયો કાળા નાણાને સફેદ કરવામાં મદદ કરે છે. 7 ઓક્ટોબરના હત્યાકાંડમાં હમાસ દ્વારા 1,400 ઇઝરાયેલીઓને માર્યા ગયાના દિવસો બાદ બાર્કલેઝે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું હતું.ઇઝરાયેલે ડિસેમ્બર 2021 અને આ વર્ષના એપ્રિલ વચ્ચે હમાસના લગભગ 200 ક્રિપ્ટો એકાઉન્ટ બંધ કર્યા.
મોસાદના ભૂતપૂર્વ એજન્ટે વધુમાં કહ્યું કે, તેમની પાસે અમીરાત, સુદાન, અલ્જેરિયા અને તુર્કીમાં આવેલી કંપનીઓ છે જે રોકડમાં કામ કરે છે. “હમાસ ભલે ખૂબ જ નાનું આતંકવાદી સંગઠન હોય પરંતુ તેનું ફંડિંગ મોટા પાયે છે.” ભૂતપૂર્વ એજન્ટે જણાવ્યું હતું કે, “હમાસના બજેટનો મોટો હિસ્સો હમાસના વડાઓ, તેમના આતંકવાદીઓ અને તેમના તમામ પરિવારો પાસે રહે છે. તે ગાઝાના લોકો સુધી પહોંચતો નથી જ્યાં બેરોજગારી વધુ છે અને લોકો મહિને 240 પાઉન્ડ કરતાં ઓછી રકમ કમાય છે.”
(Photo-File)