Site icon Revoi.in

હમાસ યુદ્ધઃ ગાઝાના રફાહ શહેર ઉપર ઈઝરાયલના સતત હુમલા

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા, જેમાં 13 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઈઝરાયેલના બોમ્બવિસ્ફોટથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામને લઈને ઈજિપ્ત દ્વારા આયોજિત હમાસ નેતાઓ સાથે સંભવિત ચર્ચા થઈ શકે છે.

ઇઝરાયલે હમાસને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. હમાસને ખતમ કરવા માટે શરૂ કરાયેલી ઈઝરાયેલ સૈન્ય કાર્યવાહીમાં 34,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે. આ યુદ્ધને કારણે 23 લાખ લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. હમાસના અધિકારીઓનું કહેવું છે કે ખલીલ અલ-હયાના નેતૃત્વમાં હમાસના અધિકારીઓ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરશે, જેમાં કતાર અને ઇજિપ્ત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

હમાસે ફરીથી ‘ટુ નેશન થિયરી’ પર સમજૂતી થવાની સંભાવના વ્યક્ત કરી છે. પેલેસ્ટિનિયન સંગઠન હમાસ 15 વર્ષથી વધુ સમયથી કહી રહ્યું છે કે તે ઇઝરાયેલ સાથે બે રાષ્ટ્રના કરારને સ્વીકારી શકે છે. પરંતુ હમાસે એ કહેવાનો પણ ઈન્કાર કર્યો છે કે તે ઈઝરાયેલને માન્યતા આપશે કે તેની સામે સશસ્ત્ર લડાઈ છોડી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કરીને ખૂની ખેલ ખેલ્યો હતો. આ હુમલામાં એક હજારથી વધારે ઈઝરાયલી નાગરિકોના મોત થયાં હતા. આ બનાવને પગલે ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની કસમ લીધી હતી. તેમજ હમાસ ઉપર સતત હુમલા કરી રહ્યું છે.(DD)