Site icon Revoi.in

હમાસનું નામો નિશાન દુનિયામાંથી નાબુદ કરવાની જરુરીઃ ભારતીય મૂળના અમેરિકી સાંસદ થાનેદાર

Social Share

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ થાનેદારે આતંકવાદી સંગઠન હમાસની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, હમાસને દુનિયામાંથી હંમેશા માટે નાબૂદ કરવાની જરૂર છે. તેમણે હમાસને બર્બર આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. તેમજ અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણતા હિન્દુ, શીખ, યહૂદી, હજારા અને યઝીદી સમુદાયની સુરક્ષા માટે નીતિઓ બનાવવામાં આવે. થાનેદારે તાજેતરમાં યુએસ કોંગ્રેસમાં એક કોકસની પણ રચના કરી છે, જેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈનોનો સમાવેશ થાય છે. અમેરિકામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે, જેને રોકવાની જરૂર છે. તેવી માંગણી કરવામાં આવી હતી.

યુએસ કેપિટોલ હિલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં થાનેદારે કહ્યું કે, હમાસ માત્ર આતંકવાદી સંગઠન નથી કે પ્રતિકારક ચળવળ નથી, પરંતુ તે માત્ર એક બર્બર આતંકવાદી સંગઠન છે. તેમને સમજાવવાનો બીજો કોઈ રસ્તો નથી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણે તેમને માત્ર પાછળ ધકેલવા ન જોઈએ જેથી તેઓ ફરી એકઠા થઈ શકે અને અત્યાચાર કરી શકે, જે તેઓ કરશે. તેથી, જરૂર છે કે આપણે તેમને આ દુનિયામાંથી હંમેશા નાબુદ કરી નાખયું જોઈએ. આ કાર્યક્રમનું આયોજન ઈઝરાયેલના સમર્થનમાં કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય અનેક સમાજના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

અમેરિકી સાંસદે કહ્યું કે હમાસની સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાની જરૂર છે જેથી પેલેસ્ટિનિયન લોકોને આઝાદ કરી શકાય. ગાઝા પટ્ટીમાં 20 લાખ લોકો રહે છે અને તેમને આતંકવાદી નિયંત્રણમાંથી મુક્ત કરવાની જરૂર છે. અમેરિકામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે, જેને રોકવાની જરૂર છે.

અમેરિકન જ્યુઈશ કમિટીના ઈન્ડિયા-જ્યુઈશ રિલેશન્સ પ્રોગ્રામના ડાયરેક્ટર નિસિમ બી. રુબેને જણાવ્યું હતું કે વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં યહૂદી વિરોધીનો કોઈ ઈતિહાસ નથી. 2008ના મુંબઈ હુમલા સુધી ભારતમાં કોઈ યહૂદીને ત્રાસ આપવામાં આવ્યો ન હતો અને 2008નો હુમલો પણ પાડોશી દેશના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અમે ખૂબ જ ખુશ છીએ કે ભારતીય અમેરિકન લોકો, સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીય લોકો અને પીએમ મોદી અને ભારતના લોકોએ ઇઝરાયેલને સમર્થન આપ્યું છે. આ (હમાસનો હુમલો) એક બર્બર હુમલો હતો અને ઈઝરાયેલને ઊંડો આઘાત લાગ્યો છે પરંતુ ઈઝરાયેલ આમાંથી બહાર આવશે અને વધુ મજબૂત બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને નિર્દોષ લોકો અને સેનાના જવાનોને નિશાન બનાવ્યા હતા. હમાસના આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહીં અને 1400 લોકોની હત્યા કરી નાખી. જેના જવાબમાં ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયલના સમર્થનમાં અમેરિકામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.