દિલ્હીઃ- હાલ દેશમાં બે વાવાઝોડાનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યારે હવે ચક્રવાત તોફાન હમૂનને લઈને ભારતીય હવામાન વિભાગએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે
હવામન વિભાગે માહિતી આપી હતી કે તોફાન હમૂન 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 15 મીમી વરસાદ નોંધાયો છે.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે મંગળવારે કિઓંઝર, મયુરભંજ અને ઢેંકનાલના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોરદાર પવન ફૂંકાઈ શકે છે. જો કે આ વાવાઝોડાની ભારતીય દરિયાકિનારા પર કોઈ મોટી અસર નહીં થાય.
ઈરાને ચક્રવાતી તોફાનને હમૂન નામ આપ્યું છે. હવામાન વિભાગે સાંજે 5.30 કલાકે જણાવ્યું હતું કે હમૂન ઓડિશાના પારાદીપથી લગભગ 230 કિમી દક્ષિણે અને પશ્ચિમ બંગાળના દિઘાથી 360 કિમી દક્ષિણમાં હતું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઓડિશા સરકારે તમામ ડીએમને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.