અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં પણ અનેક અંધશ્રદ્ધામાં માનવા હોવાનું સામે આવ્યું છે. કચ્છના રાપરમાં પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થવાની ઘટનામાં જમાઈએ શંકાના આધારે સાસરિયા પક્ષના છ લોકોને ઉકળતા તેલમાં હાથ નખાવ્યાં હતા. દીકરીને સસરા સહિતના પરિવારજનોએ ભગડ્યાં હોવાની આશંકાએ જમાઈએ પોતાને નિર્દોશ સાબિત કરવા માટે આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળે છે. ઉકળતા તેલમાં હાથ નાખતા છ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભક્તિવાંઢની યુવતીના લગ્ન ગેડી ગામના રત્નાભાઈ કાનાભાઈ કોળી સાથે થયાં હતા. દરમિયાન બે મહિના પહેલા પરિણીતા પતિ સાથે પોતાના પિયર ગઈ હતી. જ્યાંથી ભેદી સંજોગોમાં પરિણીતા ગુમ થઈ ગઈ હતી. જેથી પરિણીતાના પતિ અને પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ના હતો. તેમજ જમાઈનો સસરા સાથે ઝઘડો થયો હતો. જમાઈએ સસરા સહિતના છ વ્યક્તિઓને સમાધાન માટે ગેડી ગામ બોલાવ્યાં હતા. જ્યાંથી તે તમામને મંદિર લઈ ગયો હતો. જ્યાં પરિણીતાને તેમને ભગાડી હોવાનો તથા વેચી મારી હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ જો નિર્દોશ હોય તો ઉકળતા તેલમાં હાથ નાખવા કહ્યું હતું. જેથી સસરા સહિતના લોકોએ ઈન્કાર કરતા તેમના બળજબરથી ઉકળતા તેલમાં હાથ નખાવ્યો હતો.
સસરા સહિત છ જણાને ઉકળતા તેલમાં હાથ નખાવતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મળી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી છે.