Site icon Revoi.in

કચ્છમાં માતાના મઢમાં હનુવંતસિહએ અને ભૂજના આશાપુરા મંદિરમાં મહારાણીએ કરી પતરીવિધિ

Social Share

ભૂજઃ  કચ્છના સુપ્રસિદ્ધ એવા માતાના મઢ સ્થિત દેશ દેવી આઈ શ્રી આશાપુરા માતાજીના સ્થાનકે આગવી પરંપરા મુજબ દર વર્ષની આસોની આઠમે રાજ પરિવાર દ્વારા પત્રી વિધિ યોજાય છે. કચ્છના અંતિમ મહારાવ પ્રગમલજી ત્રીજાના નિધન બાદ સીધી લીટીના વરસદારના અભાવે રાજ પરિવારના બે સમૂહ વચ્ચે પત્રી વિધીને લઈ વિવાદ ઉભો થયો હતો. આ વર્ષે હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજાએ પરિજનો સાથે માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરે પતરી વિધિ યોજી હતી. જ્યારે રાજવી પરિવારના રાણી પ્રીતિદેવીબાએ ભુજના આશાપુરા મંદિરે પતરી વિધિ ઝીલી હતી. આમ 350 વર્ષ જૂની ધાર્મિક પરંપરામાં ફેરફાર થવા પામ્યો છે.

ભુજના આશાપુરા મંદિરમાં રાજાશાહી પરંપરા મુજબ પતરી વિધિ કરવામાં આવી હતી. દર વર્ષે આઠમના દિવસે પતરી વિધિ કરવામાં આવી હતી. આ વર્ષે 300 વર્ષમાં પહેલીવાર મહિલા દ્વારા ભુજના આશાપુરા મંદિરમાં પતરી વિધિ કરવામાં આવી હતી. કચ્છની કુળદેવી માતા આશાપુરાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજાઈ હતી. કચ્છના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની પ્રીતિદેવીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલી માના આશીર્વાદ લીધા હતા. તેમજ માતાના મઢ ખાતે હનુવંતસિંહજીએ પતરી વિધિ કરી હતી. પતરી વિધિ પહેલાં દરબારગઢના ટીલામેડી ખાતેથી ચામર યાત્રા નીકળી હતી. દર વર્ષે શારદીય નવરાત્રિના આઠમા નોરતે આ પતરી વિધિ યોજવામાં આવે છે. દર વર્ષે સાતમના હવન બાદ આ વિધિ કરવામાં આવે છે. રાજવી પરિવારના પ્રીતિદેવી દરબારગઢથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા ભૂજના આશાપુરા મંદિરે પહોંચી માતાજીના ધૂપ-દીવા બાદ કચ્છના વિકાસ, ઉન્નતિ માટે અને કચ્છીઓની સુખાકારી માટે માતાજી પાસે ખોળો પાથરી વિનંતી કરવામાં આવે છે કે, માતાજી આશીર્વાદ આપો. માતાજીના મસ્તક પરથી પતરી (સુગંધી વનસ્પતિ પાન)  ચઢાવેલી હોય છે, જે આશીર્વાદ રૂપે ખોળામાં આવે, ત્યારે આ વિધિ પૂર્ણ થાય છે.

રાજવી પરિવારના પ્રીતિદેવીની છેલ્લાં કેટલાંય વર્ષોથી ભૂજના આશાપુરા મંદિરમાં પતરી વિધિ કરવાની ઇચ્છા હતી. ત્યારે ભુજ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર તેઓએ પતરી વિધિ કરી ઇતિહાસ રચ્યો છે. માતાજીએ માત્ર 1 મિનિટની અંદર જ પ્રીતિદેવીને પતરીનો પ્રસાદ આપી સમગ્ર કચ્છને આશીર્વાદ આપ્યા હતા.