જામનગરઃ શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની ગુણીની આવક થઈ ચુકી છે. વારંવાર નવી આવક પર રોક મુકવા માટે યાર્ડ સંચાલક મજબુર બન્યા છે. જગ્યાના અભાવે આવેલી મગફળીના વેચાણ બાદ જગ્યા થાય બાદ ફરી નવી આવક શરૂ કરવામાં આવે છે.
જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ મગફળી માટેનું હબ બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ભાવ હાપામાં નોંધાયા હતા. ફરી આ વખતે ખેડુતોને મગફળીના મણના 1665 રૂપિયા જેટલો ઉંચો ભાવ મળ્યો છે. મગફળીની આવક વધતા નવી આવક પર રોક લગાવી પડે છે. જયારે 12 કલાક માટે આવક શરૂ કરતા 350 જેટલા ખેડુતો 23 હજાર ગુણી સાથે યાર્ડ પહોચ્યા. 40 હજારથી વધુ મણનો જથ્થો 12 કલાકમાં યાર્ડમાં આવ્યો હતો. જામનગર જિલ્લાના તમામ તાલુકા અને કચ્છ, મોરબી, દેવભુમિદ્વારકા, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી ખેડુતો મગફળી વેચવા આવી રહ્યા છે.અહીં સ્થાનિક વેપારીઓની સંખ્યા તેમજ તામિલનાડુના 50 જેટલા વેપારીઓ હોવાથી હરીફાઈથી હરાજીમાં સારો ભાવ ખેડુતોને મળે છે. ટેકાનો ભાવ મણના 1110 ખેડુતો મળે છે. જયારે અહીં ખુલ્લા બજારમાં 1000થી 1665 સુધીનો ભાવ ખેડુતોને મળે છે. ટેકાભાવે વેચાણમાં ખેડુતોને અને મુશકેલી રહેતી હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન, વારાની રાહ જોવાની, રીઝેકશન થવાની શકયતા, પૈસા મેળવવા માટે રાહ જોવાની, સહિતની મુશ્કેલી થાય. જયારે ખૂલ્લામાં ના રજીસ્ટ્રેશન, ના વારાની રાહ, તેમજ ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળે છે. અને રોકડેથી વ્યવહાર હોવાથી ખેડુતો ખુલ્લા બજારને પસંદ કરે છે. તામિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવતા સૌરાષ્ટ્રના ખેડુતોને મગફળીના પુરતા ભાવ મળી રહ્યા છે. તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની 9 નંબર અને 66 નંબરની ખરીદી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, જેથી તેના ભાવ અન્ય પ્રમાણમાં સારા મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં સારા ભાવના કારણે સૌરાષ્ટ્રભરના ખેડુતો હાપા યાર્ડ સુધી આવે છે.