Site icon Revoi.in

જામનગરના હાપા યાર્ડમાં મગફળીની ધૂમ આવક, હરાજી બંધ

Social Share

જામનગરઃ જિલ્લાના તમામ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં જિલ્લાના સૌથી મોટા ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં યાર્ડમાં મગફળી ભરેલા 900થી વધુ વાહનો આવ્યા હતા. આ અગાઉ ક્યારેય નોંધાયેલી ન હોય તેવી આ મોટી માત્રામાં આવકને કારણે યાર્ડ ચીક્કાર ભરાઈ ગયું છે. યાર્ડમા 80 હજાર ગુણી મગફળીના થપ્પા લાગ્યા છે, તેથી હાલમાં યાર્ડમાં જગ્યાની અછત સર્જાઈ છે, જેના કારણે નવી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાપા માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું છે. અને મગફળી રાખવાની જગ્યા ન હોવાથી હાલ હરાજી બંધ કરવામાં આવી છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી 8 દિવસ સુધી યાર્ડમાં મગફળીની આવક બંધ રહેશે. આ દરમિયાન યાર્ડમાં પહેલેથી જ આવેલી મગફળીની હરાજી કરવામાં આવશે અને યાર્ડ ખાલી કરવાના પ્રયાસો કરવામાં આવશે. ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, આ દરમિયાન તેઓ પોતાની મગફળી યાર્ડમાં ન લાવે.  જોકે અચાનક બંધ થયેલી આવકને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમણે પોતાની મગફળી વેચવા માટે રાત દિવસ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું, તેમ છતા પરત જવું પડ્યું હતુ અને હવે આવક બંધ થઈ જતાં તેમને મુશ્કેલી પડી રહી છે.  દરમિયાન માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાર્ડમાં જગ્યા ખાલી થયા બાદ ફરીથી મગફળીની આવક શરૂ કરવામાં આવશે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ધીરજ રાખે અને ટુંક સમયમાં મગફળીની હરાજી શરૂ કરવામાં આવશે.