હર ઘર તિરંગા અભિયાનઃ અમદાવાદમાં ઓફિસ, ફેક્ટરી, સંસ્થાઓની બહાર લોકોએ તિરંગો ફરકાવ્યો
ગાંધીનગરઃ દેશમાં અત્યારે સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં દેશભાવના જાગે અને દેશના સન્માન પ્રત્યે લોકો વધારે જાગૃત થાય તે માટે હર ઘર તિરંગા અભિયાન પછી તો માહોલ જ અલગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ લોકોમાં અલગ માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થયો હતો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ પોતાના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળ, ફેક્ટરિ, સંસ્થાઓ ઉપર તિરંગો ફરકાવીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પણ યુવાનોએ તિરંગો લહેરાવ્યો હતો. લોકોએ તિરંગો લહેરાવીને ભારત માતા કી જય અને વંદેમાતરમના ગગનભેદી નારા લગાવતા દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.
ભારત હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. તા. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલને દેશની જનતાએ વધાવી લીધી હતી.
તેમજ અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં રાષ્ટ્રધ્વજની લોકોએ ખરીદી કરી હતી. તંત્ર દ્વારા પણ લોકોને તિરંગો સરળતાથી મળી રહે તેવું સંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા. 13મી ઓગસ્ટથી અમદાવાદ સહિત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થયો હતો.
અમદાવાદ શહેરના વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવ્યો હતો. આમ અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત આજથી જ સ્વતંત્ર્ય પર્વની ઉજવણીના રંગમાં રંગાઈ ચુક્યું છે. અમદાવાદ શહેરના વિવિધ જાહેર સ્થળોને તંત્ર દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યાં છે.